AAPના ઉમેદવારની અનોખી રેલી:ગાંધીનગર ઉત્તરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર રિક્ષામાં બેસી ફોર્મ ભરવા નીકળ્યા, સ્થાનિક સંગઠનનાં નેતાઓ ફરકયા પણ નહીં

ગાંધીનગર2 મહિનો પહેલા

વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસમાંથી આમ આદમી પાર્ટીમાં જોડાયેલા કોંગ્રેસના આયાતી ઉમેદવાર મૂકેશ પટેલને ગાંધીનગર ઉત્તરથી ટિકિટ આપવામાં આવી છે. જે અન્વયે આજે મૂકેશ પટેલ રિક્ષામાં બેસીને અનોખી રીતે રેલી કાઢીને ઉમેદવારી ફોર્મ ભરવા નીકળ્યા હતા. ત્યારે આમ આદમી પાર્ટીના એકમાત્ર સ્થાનિક કોર્પોરેટર એવા શહેર પ્રમુખ કે પાર્ટીના ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી સહિત સંગઠનના પાયાના સ્થાનિક કાર્યકરો ફરકયા પણ નહોતા.

સંગઠનના કાર્યકરોની ગેરહાજરી
ગાંધીનગર વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ચૂંટણીના મુરતિયાઓ એક પછી એક ફોર્મ ભરવા માંડ્યા છે. આ વખતે આમ આદમી પાર્ટીએ કોંગ્રેસમાંથી આવેલા આયાતી ઉમેદવાર મૂકેશ પટેલને ગાંધીનગર ઉત્તરથી ટિકિટ આપવામાં આવી છે. જેનાં પગલે આજે મૂકેશ પટેલ પોતાના મિત્ર વર્તુળ અને ગણ્યા ગાંઠ્યા કાર્યકરો સાથે રિક્ષામાં બેસીને રેલી કાઢી ઉમેદવારી ફોર્મ ભરવા માટે નીકળ્યા હતા. ત્યારે કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તરફથી એકમાત્ર વીજયી થયેલા કોર્પોરેટર એવા શહેર પ્રમુખ તુષાર પરીખ, આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના જોઈન્ટ સેક્રેટરી સૂર્યસિંહ ડાભી સહિતના પાયાના સંગઠનના કાર્યકરોની ગેરહાજરી આંખે ઊડીને જોવા મળી હતી.

રેલી સ્વરુપે શક્તિ પ્રદર્શન કર્યું
ગાંધીનગર વિધાનસભાની ગાંધીનગર ઉત્તર બેઠકના આમ આદમી પાર્ટીના ઉમેદવાર મૂકેશ પટેલે આજે ગાંધીનગરમાં રિક્ષામાં બેસીને રોડ યોજ્યો હતો. કલેકટર કચેરીએ ઉમેદવારી નોંધાવતાં પહેલા મૂકેશ પટેલ પંચદેવ મહાદેવના દર્શન કરીને જીતના આત્મવિશ્વાસ સાથે મિત્ર વર્તુળ અને ગણ્યા ગાંઠયા કાર્યકરો સાથે રેલી સ્વરુપે શક્તિ પ્રદર્શન કર્યું હતું. એ પહેલાં પંચદેવ મંદિરે આમ આદમી પાર્ટીના ચૂંટણી ચિહ્ન ઝાડું લઈને મહિલાઓએ મૂકેશ પટેલનું અભિવાદન કરવામાં આવ્યું હતું. બાદમાં તેઓએ ઉમેદવારી ફોર્મ ભરવા કલેક્ટર કચેરી તરફ પ્રયાણ કર્યું હતું.

ગાંધીનગર ઉત્તર ​​​​​​​36મા નંબરની બેઠક​​​​​​​
​​​​​​​ગાંધીનગર ઉત્તર બેઠક ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી 36મા નંબરની બેઠક છે. આ બેઠક ગાંધીનગર જિલ્લામાં આવેલી છે અને તેની લોકસભા બેઠક ગાંધીનગર છે. આ બેઠકમાં સેકટર-1 થી 30 તેમજ ગ્રામ્ય વિસ્તારના ગામો જેવા કે વાવોલ, કોલવડા, આદરજ મોટી, જલુદ, સોનીપુર, સરઢવ, રૂપાલ, વાસન,ઉનાવા, પિડારડા, પીપળજ, તેમજ પેથાપુરનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે ભાજપ દ્વારા ગાંધીનગર ઉત્તરથી પૂર્વ મેયર રીટાબેન પટેલને ટિકિટ આપવામાં આવી છે. તો બીજી તરફ ગાંધીનગર દક્ષિણથી કોંગ્રેસના ઉમેદવાર ડો. હિમાંશુ પટેલ તેમજ આમ આદમી પાર્ટીના દક્ષિણના ઉમેદવાર દૌલત પટેલ પણ પોત પોતાના કાર્યકરો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા માટે નીકળ્યા છે.

અન્ય સમાચારો પણ છે...