પોલીસ તપાસ શરૂ:ચંદ્રાલા નજીક ટ્રાવેલ્સ બસમાંથી વડોદરાનો યુવક પિસ્ટલ સાથે ઝડપાયો

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચિલોડા પોલીસે યુવક સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી

હિંમતનગર-ચિલોડા હાઈવે પર ચંદ્રાલા પાસે ટ્રાવેલ્સ બસના પેસેન્જર પાસેથી ગેરકાયદેસર પિસ્ટલ મળી આવી હતી. ચિલોડા પોલીસ સ્ટાફ રવિવારે સવારે વાહન ચેકિંગમાં હતો. ત્યારે હિંમતનગર તરફથી ટ્રાવેલ્સ બસ આવી હતી. પોલીસે બસમાં ચેકિંગ કરતાં એક પેસેન્જરની હિલચાલ શંકાસ્પદ લાગી હતી. જેને પગલે પોલીસે તેની અંગઝડતી કરતાં તેની પાસેથી પિસ્ટલ મળી આવી હતી.

પેસેન્જરનું નામ પૂછતાં તે વડોદરાનો મનદીપ ભીમસેન શર્મા (28 વર્ષ) હોવાનું સામે આવ્યું હતું. મૂળ હરિયાણાના યુવક પાસે પિસ્ટલનું કોઈ લાયસન્સ કે પરવાનો હતો નહીં. જેને પગલે પોલીસે 25 હજારની કિંમતની પિસ્ટલ અને 5 હજારની કિંમતનો ફોન જપ્ત કર્યો હતો. પોલીસે યુવક સામે આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

યુવકને પિસ્ટલ અંગે પૂછતાં તેને કોઈ સંતોષકારક જવાબ આપ્યો ન હતો. જેને પગલે આરોપી યુવક પિસ્ટલ ક્યાંથી લાવ્યો હતો અને કેમ લાવ્યો હતો, તે કોઈ ગુનાને અંજામ આપવાનો હતો કે આપી દીધો છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.

અન્ય સમાચારો પણ છે...