મોતની છલાંગ:ગાંધીનગરના સેકટર-30માં આવેલા વીર સાવરકર નગરના છઠ્ઠા માળેથી યુવાને પડતું મૂક્યું, સિવિલમાં સારવાર દરમિયાન મોત

ગાંધીનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર ઉપર પડવાથી ધડાકાભેર અવાજ આવતા પરિવારજનોને જાણ થઈ

ગાંધીનગરના સેકટર - 30માં આવેલ વીર સાવરકર નગર સરકારી વસાહતના છઠ્ઠા માળેથી ગઈકાલે રાત્રે કોઈ અગમ્ય કારણોસર 35 વર્ષીય યુવાને મોતની છલાંગ લગાવી હતી. યુવાને ઉપરથી પડતું મુકતા સીધો જ કાર પર પડવાથી ધડાકાભેર અવાજ આવતાં પરિવારને બનાવની જાણ થઈ હતી. આ અંગે પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

સેકટર - 21 પોલીસનાં જણાવ્યા અનુસાર સેકટર - 30 વીર સાવરકર નગર બ્લોક - 10 મકાન નંબર 302માં રહેતાં 35 વર્ષીય પ્રકાશ હરજીવનભાઈ મકવાણાનાં પરિવારમાં માતા, પત્ની અને એક દીકરી છે. મૂળ ગોંડલનાં વતની પ્રકાશના માતા સરકારી કર્મચારી છે.

જ્યારે પ્રકાશભાઈ છૂટક કામ કરતાં હતાં. ગઈકાલે રાત્રિના સાડા આઠ વાગ્યાના અરસામાં પ્રકાશભાઈ ગેલેરીમાં ઉભા હતા. જ્યારે તેમની પત્ની રસોડામાં કામ કરી રહ્યા હતા અને માતા બાથરૂમમાં ગયા હતા. આ દરમ્યાન કોઈ કારણોસર પ્રકાશભાઈએ છઠ્ઠા માળેથી નીચે પડતું મુક્યું હતું. જેથી તેઓ સીધા નીચે પાર્ક કરેલી કાર ઉપર પડ્યા હતા.

અચાનક ધડાકા સાથે અવાજ આવતાં અત્રેના વસાહતીઓ એકઠા થઈ ગયા હતા. જ્યારે અવાજ સાંભળીને પ્રકાશભાઈના પત્ની - માતા પણ નીચે દોડી ગયા હતા. બાદમાં ગંભીર હાલતમાં પ્રકાશભાઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રકાશભાઇને મૃત જાહેર કર્યા હતા. આ અંગે સેકટર - 21 પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી આપઘાતનું કારણ જાણવા માટે તપાસનો દોર હાથ ધર્યો છે.

અન્ય સમાચારો પણ છે...