તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિશ્વ પર્યાવરણ દિન:ગાંધીનગરનો એક યુવાન વૃક્ષોની અનોખી રીતે કરે છે માવજત, શહેરમાં વૃક્ષો પર લગાવેલા ખિલ્લા કરે છે દૂર

ગાંધીનગર8 દિવસ પહેલાલેખક: દીપક શ્રીમાળી
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 100થી વધુ વૃક્ષોમાંથી ખિલ્લા કાઢી ચૂક્યા છે

ગાંધીનગરમાં રહેતા યુવાન લોકો દ્વારા જાહેરાતો ના પ્રચાર અર્થે વૃક્ષોમાં ઠોકી બેસાડવામાં આવતા વૃક્ષોને શોધી કાઢીને તેમાંથી ખિલ્લા દૂર કરીને અનોખી રીતે પર્યાવરણની જાળવણી માટે કામગીરી કરવામાં આવી રહી છે. સર્વધર્મ સમભાવની ભાવના રાખનાર સંસ્કાર ગ્રુપના તુષાર ભાઈ વર્ષ દરમિયાન આવા વૃક્ષોને શહેરમાં ફરીને શોધી કાઢી વૃક્ષોને ખિલ્લા મુકત કરી તેની માવજત કરવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે.

ગાંધીનગરમાં કાર્યરત નાની એવી સંસ્થા સંસ્કાર ગ્રુપના તુષાર દવે છેલ્લાં 17 વર્ષ થી વિવિધ પ્રવૃતિઓ કરતા આવ્યા છે. જેમાં દેશભક્તિ, સામાજિક કાર્યો, બાળકોના સર્વાંગી વિકાસ સહિત અનેક વિધ પ્રવૃતિઓ ની ઉજવણી કરવામાં આવતી હોય છે. જેની સાથોસાથ પર્યાવરણ ની જાળવણી અર્થે પણ સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે.

વર્ષ ભરમાં આવતા વિવિધ ડે અંતર્ગત ધરતી દિવસ નિમિત્તે નાના ભૂલકાઓ ને ધરતી વિશે તલસ્પર્શી માહિતી પુરી પાડીને ધરતીની પૂજા વિધિ સહિત બાળકોના સર્વાંગી વિકાસની અનેકવિધ કામગરી તુષાર દવે દ્વારા કરવામાં આવી રહી છે. એમાંય ગાંધીનગર માં વૃક્ષારોપણ કાર્યક્રમો યોજ્યા બાદ તેની જાળવણી અર્થે સમગ્ર વર્ષ દરમિયાન સતત કાર્યરત રહેતા હોય છે. વિશેષ માં તેઓ ધ્વારા વૃક્ષોની માવજત સવિશેષ રીતે કરવામાં આવી રહી છે.

ગાંધીનગર માં ઘણા વેપારીઓ દ્વારા પોતાના વેપાર ધંધા ની જાહેરાતો અર્થે વૃક્ષોને નુકશાન પહોંચાડવામાં આવી રહ્યું છે. વેપારીઓ પોતાના અંગત સ્વાર્થ ખાતર વૃક્ષોમાં હથોડા લઈને ખિલ્લા ઠોકી દેતા ઘણી વાર નજરે ચઢતાં હોય છે. બસ આવા જ વૃક્ષોને તુષાર ભાઈ દ્વારા શહેરમાં ફરીને શોધી કાઢી તેને ખિલ્લા મુકત કરી અનોખી રીતે પર્યાવરણની જાળવણી કરવામાં આવી રહી છે.

આ અંગે તુષાર દવે એ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં ગાંધીનગરની જનતાને ઓક્સિજનની કિંમત સમજાઈ ગઈ છે. ભૌતિક સુખ સુવિધા મેળવવા આપણે વૃક્ષોનું નિકંદન કાઢી નાખતાં હોય છે. હવે જયારે પ્રાણવાયુની અછત સર્જાઈ ત્યારે હવે તો લોકોએ પર્યાવરણ પ્રત્યે જાગૃત થવાની તાતી જરૂરિયાત ઊભી થઈ છે.

વૃક્ષોમાં પણ જીવ હોય છે- તુષારભાઈ
વૃક્ષોમાં પણ જીવ હોય છે. ઘણા લોકો પોતાના અંગત ફાયદા સારું વૃક્ષોમાં જાહેરાતો ના બોર્ડ લગાવવા માટે હથોડા લઈને ખિલ્લા ઠોકી બેસાડે છે. જો આપણને એક કાંટો વાગે તો કેટલું દર્દ થાય છે બસ એજ રીતે વૃક્ષોને પણ અનેક ઘણું દર્દ થતું હોય છે. ફરક એટલો જ છે એ ફરિયાદ કરી શકતું નથી. ત્યારે અમારી સંસ્થાના નેજાં હેઠળ ગાંધીનગર વિસ્તારમાં આવા વૃક્ષોને શોધી કાઢીને તેમાંથી દૂર કરવામાં આવે છે. ત્યારબાદ તેના પર માટી અને છાણ નો લેપ તૈયાર કરીને મલમ લગાવી તે વૃક્ષોનો ઘા રુઝાય ત્યાં સુધી સતત માવજત કરવામાં આવતી હોય છે.

'કટરથી વૃક્ષ કાપવાથી તેનો વિકાસ રૂંધાઈ જાય છે'
વૃક્ષોને આડેધડ કાપી નાખવાથી તેનો વિકાસ રૂંધાઈ જતો હોય છે. સામાન્ય રીતે વૃક્ષને કુહાડી તેમજ ધારીયા વડે કાપવામાં આવે તો થોડા વખતમાં તેની કૂપણો ફૂટે છે. પરંતુ એજ વૃક્ષને કટર વડે કાપી નાખવામાં આવે તો કપાયેલા ભાગની આસપાસ કાળા દાગ થવા લાગે છે ને ધીમે ધીમે એ વૃક્ષનો વિકાસ અટકી જતો હોય છે.

'વૃક્ષમાં ખિલ્લા મારવાથી રસરૂપી લોહી નીકળી જતા સુકાઈ જાય છે'
જે રીતે શરીરમાંથી લોહી વહી જાય તો માનવીનું મૃત્યુ થતું હોય છે. એજ રીતે વૃક્ષોમાં ખિલ્લા મારવાથી તેમાંથી રસ રૂપી લોહી વહેવા લાગતું હોય છે. જેનાં કારણે વૃક્ષનો તે ભાગ રૂજાતો નથી. જે રીતે વાગેલા ઘા પર મલમ લગાવવામાં ના આવે તો ઇન્ફેક્શન થવા લાગતું હોય છે. તેજ રીતે વૃક્ષ માં પણ ખિલ્લા મારવાથી તે ભાગ માં સડો થવા લાગે છે. જેનાં કારણે વૃક્ષ અંદરથી ખોખલું થતું જાય છે અને ઊધઈ સહિતની જીવાતો તેને કોરી ખાય છે અને અંતે વૃક્ષ સુકાઈને મૃત્યુ પામે છે.

જન્મથી લઈ મૃત્યુ સુધી વૃક્ષ ની જરૂર પડતી હોય છે
સ્વાભાવિક છે કે આ બાબત કોઇને બહુ નાની લાગતી હોય પણ કોરોના મહામારી માં કૃત્રિમ ઓક્સિજન માટે રીતસર નાં લોકોએ વલખાં માર્યા છે. પૈસા ખર્ચીને પણ અનેક દર્દીઓને પ્રાણવાયુ મળી શક્યો નથી. ત્યારે વૃક્ષો ધ્વારા જન્મથી લઈ મૃત્યુ સુધીની સફર દરમિયાન કુદરતી પ્રાણવાયુ મફત માં પૂરું પાડવામાં આવતો હોય છે.વૃક્ષ માનવીનો જન્મ થી લઈ મૃત્યુ સુધી મદદ રૂપ થાય છે. તેમ છતાં માનવીને તેની કિંમત સમજાતી નથી અને વૃક્ષોનું નિકંદન કાઢી નાખી આર્થિક ફાયદો મેળવવામાં આવી રહ્યો છે.

અત્યાર સુધીમાં ગાંધીનગર માંથી એકસો થી વધુ વૃક્ષોમાંથી ખિલ્લા કાઢીને તેની મલમ પટ્ટી કરનાર તુષાર દવેએ અંતમાં ઉમેર્યું હતું કે વૃક્ષો વાવ્યા પછી તે મોટું નાં થાય ત્યાં સુધી તેની માવજત કરવી જરૂરી છે. જે રીતે આપણે વાર તહેવારે સગા સંબંધી મિત્ર વર્તુળ ની મુલાકાત કરતા હોય છે એજ રીતે લોકોએ પણ વૃક્ષો વાવ્યા પછી તેની મુલાકાત કરતા રહેવું જોઈએ.

અન્ય સમાચારો પણ છે...