દહેગામ બાયડ રોડ પર અજાણ્યા વાહનની ટક્કરથી પાલૈયા ગામના યુવાનનું ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું હતું. યુવાન વહેલી સવારે મોર્નિંગ વોક માટે નિકળ્યો હતો. જે મોડે સુધી ઘરે પરત નહીં ફરતાં પરિવારજનો શોધખોળ અર્થે નીકળેલા એ વખતે ઉક્ત સ્થળે યુવાન મરણ ગયેલ હાલતમાં મળી આવ્યો હતો. આ અંગે દહેગામ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
મોર્નિગ વોક માટે નિકળ્યો પણ પરત ન ફર્યો
દહેગામના પાલૈયા ગામમાં રહેતાં જગદીશભાઈ મંગળદાસ પટેલે નોંધાવેલી ફરિયાદ મુજબ તેમના મોટાભાઇ રામભાઈ પાંચ સંતાનો પૈકી નાનો દીકરો પંકજ ગઈકાલે વહેલી સવારે મોર્નિંગ વોક માટે ઘરેથી નિકળ્યો હતો. જે ઘણીવાર સુધી ઘરે પરત નહીં ફરતા પરિવારજનોએ શોધખોળ આદરી હતી. ત્યારે ગામથી બધાં પરિવારના સભ્યો ચાલતાં ચાલતાં બાયડ રોડ ઉપર આવેલા સરકારી જુના બોર કૂવા તરફ પહોંચ્યા હતા. જ્યાં રોડની સાઈડમાં પંકજ ગંભીર રીતે ઈજાગ્રસ્ત હાલતમાં પડ્યો હતો. જેને માથાના ભાગે ઈજાઓ થવાથી પુષ્કળ લોહી વહી જવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું.
અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરાઈ
આ બનાવની જાણ થતાં અન્ય ગ્રામજનો પણ અકસ્માત સ્થળે દોડી આવ્યા હતા. બાદમાં પંકજની લાશને દહેગામ સીએચસી સેન્ટર ખાતે લઈ જવાઈ હતી. જ્યારે અકસ્માતની જાણ થતાં દહેગામ પોલીસ પણ દોડી ગઈ હતી. અને મૃતકની લાશનું પોસ્ટમોર્ટમ કરાવી અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.