ગાંધીનગરના સોનારડા રોડ પર સાયકલને ટક્કર વાગતાં લોડીંગ રિક્ષા પલટી ખાઈ હતી. આ અકસ્માતમાં લોડીંગ રિક્ષામાં સવાર શ્રમજીવી મહિલાનું ગંભીર ઈજાઓ થવાથી મોત નીપજ્યું હતું. જ્યારે રિક્ષાના ડ્રાઇવરને શરીરે વધતી ઓછી ઈજાઓ થતાં ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના ગોમતીપુર ખાતે રહેતાં ધર્મેશ મહેન્દ્રભાઈ ચાવડાની માતા ઉર્મિલાબેન છૂટક મજૂરી કામ કરતા હતા. જેઓ ધર્મેશનાં મિત્ર સુભાષ સાથે લોડીંગ રિક્ષામાં ગઈકાલે ગાંધીનગર મજૂરી કામ અર્થે આવ્યા હતા. એ દરમિયાન રાયપુર કેનાલથી સોનારડા રોડ વચ્ચે લોડીંગ રિક્ષા પસાર થઈ રહી હતી. એ સમયે ઉર્મિલાબેન ડ્રાઈવર સાઈડની સીટમાં બેઠા હતા. ત્યારે અચાનક એક સાયકલના ચાલકે રિક્ષા આગળથી એકદમ વળાંક લીધો હતો. જેનાં કારણે રિક્ષા પરથી સુભાષએ કાબુ ગુમાવી દેતા સાયકલને ટક્કર વાગવાથી રિક્ષા પલ્ટી ખાઈ ગઈ હતી.
રિક્ષા પલટી જતાં નીચે ઉર્મિલાબેન દબાઈ ગયા હતા. જ્યારે સુભાષને શરીરે વધતી ઓછી ઇજાઓ થઇ હતી અને સાયકલ ચાલક પણ ઈજાગ્રસ્ત થયો હતો. આ અકસ્માતના પગલે રાહદારીઓ એકઠા થઇ જતાં ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે મોકલી આપવામાં આવ્યા હતા.
ફરજ પરના તબીબે ઉર્મિલાબેનને મૃત જાહેર કર્યા હતા અને સુભાષની પ્રાથમિક સારવાર કરી હતી. જ્યારે સાયકલનો ચાલક મોકો જોઈને ભાગી ગયો હતો. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.