અકસ્માત:પિંડારડા પાટિયા પાસે કાર ટક્કરે બાઇક પર સવાર મહિલાનું મોત

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પતિ, દિયર અને ભાભી બાલવા દર્શન કરવા જતા હતા

પીંડારડાથી મહુડી તરફ જવા માટે રોડ ક્રોસ કરી રહેલા બાઇકને મહુડી તરફથી ગાંધીનગર તરફ જતી અજાણી કારના ચાલકે ટક્કર મારતા બાઇક ઉપર સવાર લોકો રોડ ઉપર પટકાયા હતા. અકસ્માતમા રોડ ઉપર પટકાયેલી મહિલાનુ સારવાર દરમિયાન મોત થયુ હતુ. જ્યારે અન્ય બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ બનાવને લઇ કાર ચાલક સામે ગુનો નોંધાવતા પેથાપુર પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.મળતી માહિતી મુજબ સુરેશભાઇ માનસિંગભાઇ ઠાકોર (રહે, પીંડારડા, કાચા છાપરામા)એ ફરિયાદ નોંધાવી હતી કે, જાતે પંચરની દુકાન ચલાવી પરિવારનુ ગુજરાન ચલાવે છે.

ત્યારે ગત રવિવારે પીંડારડા ગામેથી બાલવા મહાકાળી માતાજીના મંદિરે દર્શન કરવા બાઇક લઇને નિકળ્યો હતો. બાઇક ઉપર તેની પત્ની ચંદ્રિકાબેન અને તેનો ભાઇ અજય બાઇક નંબર જીજે 18 ક્યુ 2264 લઇ દર્શનાર્થ જઇ રહ્યા હતા. જ્યારે બાઇક લઇ પીંડારડાથી મહુડી તરફ જવા માટે રોડ ક્રોસ કરી રહ્યા હતા.તે દરમિયાન મહુડી તરફથી પુરપાટ ઝડપે આવી રહેલી અજાણી કારના ચાલકે બાઇકને પાછળથી ટક્કર મારી હતી. જેમા બાઇક ઉપર સવાર ત્રણેય લોકો રોડ ઉપર પટકાયા હતા. અકસ્માત બાદ કાર ચાલક ફરાર થઇ ગયો હતો.

જ્યારે અકસ્માતથી આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત પતિ, પત્ની અને ભાઇને સારવાર અર્થે તાત્કાલિક ગાંધીનગર સિવિલમા લઇ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન ચંદ્રિકાબેનનંુ ગત રોજ સોમવારે મોત થયુ હતુ. જ્યારે અજયને શરીરમા ત્રણ જેટલા ફ્રેક્ચર થયા હતા. આ બનાવને લઇ પતિ સુરેશભાઇએ તેના બાઇકને ટક્કર મારનાર કાર ચાલક નંબર જીજે 01 એચપી 1092ના ચાલક સામે ગુનો નોંધાવતા પેથાપુર પોલીસે ફરાર કારચાલક સામે ગુનો નોંધી શોધખોળ હાથ ધરી હતી. હાઇવે પર બેફામ દોડી રહેલા વાહનોને કારણે અકસ્માતના બનાવોમાં વધારો થયો છે અને નિર્દોષ લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...