તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિચિત્ર અકસ્માત:અજાણ્યા બાઈકની ટક્કરથી પેંડલ રીક્ષામાંથી સાયકલ ઉછળીને માથામાં પડતાં મહિલાને ગંભીર ઈજાઓ થઇ, સારવાર દરમિયાન મોત થયું

ગાંધીનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પેંડલ સાયકલ રીક્ષાને અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારી હતી
  • પેંડલ સાયકલ રીક્ષામાં પડેલી અન્ય એક સાયકલ ઉછળીને રાહદારી મહિલાને વાગી

ગાંધીનગરનાં અડાલજથી આદરજ તરફ જતા રોડ પર પેંડલ સાયકલ રીક્ષાને અજાણ્યા બાઇક ચાલકે ટક્કર મારી હતી. જેનાં કારણે પેંડલ સાયકલમાં પડેલી અન્ય એક સાયકલ ઉછળીને રાહદારી મહિલા પર પડી હતી. આ વિચિત્ર અકસ્માતમાં અમદાવાદની મહિલાનું સારવાર દરમિયાન મોત થતાં અડાલજ પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

માથામાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

અમદાવાદના સરસપુર રખિયાલ શારદા હોસ્પિટલ સામે રહેતા વનરાજસિંહ ભરતસિંહ પરમાર છૂટક મજૂરી કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. થોડા વખત અગાઉ જીતુ દંતાણીનું અવસાન થતા તેની 45 વર્ષીય પત્ની હાસ અને વનરાજ જોડે આંખો મળી ગઇ હતી. તેના પગલે આશા તેના બે દિકરા અને બે દીકરીઓ સાથે વનરાજ સાથે રહેવા લાગી હતી. આશાને સંતાનોમા દીકરી નેહા (ઉ 15), રેશમા (ઉ12), દીકરો ક્રિશ (ઉ 9) અને કરણ (ઉ 7) છે. કાઠા ગામમાં આવેલ હડકાઇ માતાના મંદિરે દર્શન કરવા જવાનું હોવાથી સમગ્ર પરિવાર પેંડલ રિક્ષા લઈને દર્શન અર્થે ગયો હતો. જ્યાંથી ગત તારીખ 9 મી મે રોજ દર્શન કરી અમદાવાદ તરફ પરત રવાના થયા હતા. ત્યારે આદરજ જતા રોડ પાસે જોગણી માતાના મંદિર નજીક પેંડલ રિક્ષામાં વનરાજ તેમજ ચાર સંતાનો પસાર થઈ રહ્યાં હતા. જ્યારે આશા પેંડલ રીક્ષા સાથે સાથે બાજુમાં ચાલી રહી હતી. તે દરમિયાન અજાણ્યા બાઇક ચાલકે પોતાની બાઇક પુરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી અકસ્માત સર્જ્યો હતો. જેનાં કારણે પેંડલ રિક્ષાની જમણી બાજુ પડેલી સાયકલ ઉછળીને આશા ઉપર પડી હતી. અને તે જમીન પર પડી ગઈ હતી. અને તેને માથામાં તેમજ શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી.

ગઈકાલે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું

આ અકસ્માત કરીને ચાલક તેનું બાઇક લઇને ફરાર થઇ ગયો હતો. અકસ્માત સર્જાતા આસપાસના રાહદારીઓ મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. બાદમાં આશાને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. જ્યાં પ્રાથમિક સારવાર કર્યા બાદ તેને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોકલી આપવામાં આવી હતી. જ્યાં ગઈકાલે તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...