તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કોરોના સામે જંગ:ગાંધીનગરના કલોલની હોસ્પિટલમાં દર્દીઓને સ્વસ્થ રાખવા અનોખી પહેલ, મ્યુઝિક થેરાપી થકી કરાઈ રહ્યાં છે મોટિવેટ

ગાંધીનગર2 મહિનો પહેલા
  • PSM હોસ્પિટલમાં હોઈએ અને વોર્ડની બહાર સંગીત સંભળાય તો આપણને ચોક્કસ આશ્ચર્ય થાય

શ્રી સ્વામિનારાયણ વિશ્વ મંગલ ગુરુકુળ સંચાલિત કલોલની PSM હોસ્પિટલમાં કોરોનાગ્રસ્તને સારવારની સાથે-સાથે મનોસ્થિતિ પણ સ્વસ્થ રહે તે માટે હોસ્પિટલના તબીબો અને નર્સિંગ ટીમ દર્દીઓને મ્યુઝિકલ થેરાપી આપી રહી છે. આ મ્યુઝિકલ થેરાપીમાં તેઓ દર્દીઓને મોટિવેટ કરતા ગીત ગવડાવે છે , વોર્ડમાં લાગેલા સ્પીકર ઉપર વિવિધ સંગીતના ભજનના ગીતો વગાડવામાં આવે છે, જેથી વોર્ડનું વાતાવરણ મધૂર સંગીતમય બની રહે છે.

વોર્ડની બહાર સંગીત સંભળાય તો કુતૂહલવશ લોકો પૂછપરછ કરે છે

ગાંધીનગર નાં કલોલ સ્થિત PSM હોસ્પિટલમાં કોરોના વોર્ડ પાસેથી પસાર થતા હોઇએ, અને તમારા કાન પર સંગીત સુરાવલીના "મન મેં હૈ વિશ્વાસ, પૂરા હૈ વિશ્વાસ.... હમ હોંગે કામયાબ એક દિન..." કે પછી " ઇતની શક્તિ હમે દેના દાતા... મન કા વિશ્વાસ કમજોર હો ના..." આ અર્થસભર શબ્દો સંભળાય છે . જો કે તે સમયે હોસ્પિટલમાં આવતા અન્ય દર્દીઓ તેમજ તેમના સગાઓ પણ વોર્ડની બહાર સંગીત સંભળાય તો કુતૂહલવશ પૂછપરછ કરતાં અને વોર્ડમાં મ્યુઝિકલ થેરાપી ચાલતી હોવાની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ જતાં હોય છે.

વોર્ડમાં વહેતી સંગીતની સૂરાવલિ થી હોસ્પિટલ નું વાતાવરણ તણાવ મુકત થઇ જાય છે

કોરોનાની સારવાર લેતા દર્દીઓ સ્વાભાવિકપણે એક પ્રકારની નિરાશા અનુભવતા હોય છે. એક તરફ કોરોનાનો ડર અને બીજી તરફ પરિવારથી વિખૂટા પડી પરત ઘરે ફરીશું કે નહીં તેની ચિંતામાં દર્દીની માનસિક સ્થિતિ કફોડી બની જતી હોય છે ત્યારે અહીં અધ્યતન સારવાર તો અપાય છે પરંતુ તન સાથે તેમનું મન પણ સ્વસ્થ રહે તે માટે ડોકટરોની ટીમ દ્વારા મ્યુઝિક થેરાપીનો અમલ શરૂ કરાયો છે. હોસ્પિટલના કોવિડ વોર્ડમાં સંગીતની સૂરાવલિ વહેતી કરવાં ઇન્સ્ટ્રુમેન્ટલ સંગીત વગાડવામાં આવે છે જે દર્દીઓને માનસિક રીતે શાંતિપૂર્ણ વાતાવરણ આપે છે. ત્યારે વોર્ડમાં વહેતી સંગીતની સૂરાવલિથી હોસ્પિટલનું વાતાવરણ તણાવ મુકત થઇ જાય છે.

મ્યુઝિક થેરાપીથી દર્દીઓમાં પોઝિટિવ સુધારો જોવા મળ્યો : ડો. ભાવિશા ચૌહાણ, એમડી આયુર્વેદ

PSM હોસ્પિટલના ડો. ભાવિશા ચૌહાણ(એમડી આયુર્વેદ) એ જણાવ્યું હતું કે હોસ્પિટલના મેનેજિંગ ટ્રસ્ટી શાસ્ત્રી સ્વામી પ્રેમસ્વરૂપદાસજીની પ્રેરણાથી અત્રે મ્યુઝિક થેરાપીની શરૂઆત કરવામાં આવી છે. જેનાં કારણે દર્દીઓમાં પોઝિટિવ સુધારો જોવા મળી રહ્યો છે. કોવિડ 19 મહામારીમાં દર્દીઓમાં ભય ફેલાઈ ગયો છે. જેનાં કારણે દર્દી શારીરિક તો સ્વસ્થ દેખાય છે પરંતુ માનસિક રીતે અસ્વસ્થ રહેતો હોય છે. જે મોટાભાગે દરેક કોવિડ દર્દીમાં જોવા મળે છે. જેથી મારી સાથે નર્સિંગ કોલેજનાં પ્રિન્સિપાલ કલ્પ્ના પટેલ, મેડિકલ ઓફિસર ડો. ચિરાગ સોની સહિત નર્સિંગ સ્ટાફ દ્વારા PPE કીટ પેહરીએ દર્દીઓને સંગીતના તાલે મ્યુઝિક થેરાપી આપવામાં આવી રહી છે.

તબક્કાવાર વિવિધતા ઘરાવતા સંગીતની થેરાપી આપવામાં આવે છે

દિવસ દરમિયાન રોજ તબક્કાવાર વિવિધતા ઘરાવતા સંગીતની થેરાપી આપવામાં આવે છે. અમે દર્દીઓ તેની સારવારની સાથે સાથે તેમનું મન પ્રફુલ્લિત રહે તે માટે આ અનોખી પ્રવૃત્તિ કરી રહ્યા છીએ આ દરમિયાન દર્દીઓ સાથે વાતચીત, ગીત ભજન, સંગીતનુ લાઇવ ડેમોન્સ્ટ્રેશનથી આનંદિત રાખીએ છીએ.

કોવિડ દર્દીઓ મ્યુઝિક થેરાપી ને આવકારી રહ્યા છે

કોવિડ વોર્ડમાં દાખલ 67 વર્ષીય હંસાબેન ઝાલા એ જણાવ્યું હતું કે અચાનક કોરોના થઈ જતાં હું અને પરિવારના બધા ગભરાઈ ગયા હતા. એક તરફ પરિવારથી એકલા અટૂલા રહેવાનું, સાજી થઈને પરત ઘરે જઈશ કે નહીં તેની સતત ચિંતા રહેતી હતી. પરંતુ હું છેલ્લા ઘણા દિવસોથી આ પ્રકારની સારવારથી માનસિક શાંતિ અનુભવું છું. જ્યારે 50 વર્ષીય સોની દેવી એ કહ્યું કે "હું છેલ્લા 12 દિવસથી અહીં સારવાર લઈ મેળવી રહી છું. શરૂઆતમાં આવી ત્યારે બહુ લાગતો હતો. પણ હોસ્પિટલના ડોક્ટર તેમજ સ્ટાફ દ્વારા ઘરના સભ્યની જેમ રાખીને સારવાર કરાય છે. મ્યુઝિક થેરાપી વિશે સાંભળ્યું તો હતું પણ એ મારે પણ લેવાની જરૂર પડશે ખબર ન હતી. હોસ્પિટલ દ્વારા ગીતો, ભજન, ભગવાનની આરતી વગાડવામાં આવે છે જેથી શરીરમાં અલગ ધ્રુજારી સાથે મન હળવું રહેવા લાગ્યું છે. શરૂઆતમાં કોઈ બોલે તો પણ ગમતું ન હતું. હવે સંગીત સાંભળીને એકલતા દૂર થઈ ગઈ છે.

હોસ્પિટલમાં આયુર્વેદ દવા પર ચાલતું રિસર્ચ

PSM હોસ્પિટલ દ્વારા મ્યુઝિક થેરાપીની સાથે આયુર્વેદ પદ્ધતિ થી સારવાર કરવાની ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. જેના માટે ખાસ ઓપીડી કાર્યરત કરવામાં આવશે. ઉપરાંત હાલમાં આયુર્વેદ પધ્ધતિ પર સંશોધન ચાલી રહ્યું છે. આયુષની ગાઈડ લાઈન મુજબ આયુર્વેદ દવા પર કામ ચાલી રહ્યું છે. જેનાં માટે દવાઓની કીટ તૈયાર કરવામાં આવી રહી છે. જેની અમલવારી ટૂંક સમયમાં કરી દેવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...