નવતર પહેલ:ગાંધીનગરમાં 62 વર્ષીય વૃદ્ધનું અનોખું અભિયાન, 5મી ડિસેમ્બરે મતદાન કરનાર દરેક નાગરિકને નિઃશુલ્ક ‘કાવો’ પીવડાવશે

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક

ભારત દેશમાં ચૂંટણી એ લોકશાહીના મહાપર્વ સમાન છે. વધુમાં વધુ નાગરિકો આ પર્વમાં સહભાગી થઈને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી, લોકશાહીને વધુ મજબૂત બનાવે તેવા પ્રયાસો ચૂંટણીપંચ દ્વારા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગાંધીનગરના રહેતા મહેન્દ્રકાકાએ પણ મતદાન જાગૃતિ માટે અનોખું અભિયાન હાથ ધર્યું છે.

હું પોતે અચૂક મતદાન કરું છુઃ મહેન્દ્રભાઈ
ગાંધીનગરમાં સોડા શોપ ચલાવતા મહેન્દ્રકાકા મતદાન કરનાર દરેક નાગરિકને નિઃશુલ્ક કાવો પીવડાવીને આ મહાપર્વમાં નાનું પણ નોંધપાત્ર યોગદાન આપશે. આ અંગે વાત કરતાં મૂળ વિરમગામના વતની અને છેલ્લાં 12 વર્ષથી ગાંધીનગરમાં સ્થાયી થયેલા 62 વર્ષીય મહેન્દ્રભાઈ જયસ્વાલ જણાવે છે કે હું પોતે અચૂક મતદાન કરું છુ અને મારા પરિવારના સભ્યો પણ પોતાની આ ફરજ નિભાવે તેના માટે તેમને પ્રોત્સાહિત કરું છું. આપણો દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી છે અને આપણે તેને વધુ ને વધુ મજબૂત કરવા માટે મતદાન કરવું અત્યંત જરૂરી છે.

મતદાર જાગૃત્તિ અભિયાનમાં સહભાગી થયા
બંધારણે આપણને હકો આપ્યા છે, તેની સાથે આપણી પણ કેટલીક ફરજો તેના પ્રત્યે છે. જે રીતે મતાધિકાર એ આપણો અબાધિત હક છે, તે જ રીતે મતદાન કરવું એ આપણી પણ પવિત્ર ફરજનો એક ભાગ જ છે. આથી પ્રત્યેક નાગરિકે અવશ્ય મતદાન કરવું જોઈએ. ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રકાકાના હુલામણા નામે જાણીતા મહેન્દ્રભાઈ ગાંધીનગરના ઘ-2 વિસ્તારમાં સોડા શોપ અને કાવાનો વ્યવસાય કરે છે. તેમણે ગાંધીનગર મામલતદારને પત્ર લખીને રજૂઆત કરી છે કે રાષ્ટ્રહિતમાં મતદાન કરનાર પ્રત્યેક જાગૃત મતદારને તેઓ વિનામૂલ્યે કાવો પીવડાવીને મતદાર જાગૃત્તિ અભિયાનમાં સહભાગી થવાની તૈયારી દર્શાવી છે.
આ અંગે મહેન્દ્રકાકા જણાવે છે કે જે લોકો 5ડિસેમ્બરે મતદાન કરી પોતાની ફરજ પૂરી કરશે તેવા દરેક જાગૃત નાગરિકને તેમના તરફથી મતદાનના દિવસે સવારે 7.30થી રાત્રે 11 કલાક સુધી ઘ-2 સર્કલ ખાતેના તેમના ગલ્લા પરથી નિઃશુલ્ક કાવાનું વિતરણ કરવામાં આવશે. હાથ પર મતદાનનું નિશાન બતાવીને કોઈ પણ નાગરિક આનો લાભ લઈ શકશે.

ઉલ્લેખનીય છે કે, મહેન્દ્રભાઈએ માત્ર ચાર ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. આમ છતાં, તેઓ પોતાના મતાધિકાર અને મતદાનની ફરજ પ્રત્યે જાગૃત છે.એટલું જ નહીં, અન્ય નાગરિકોને પણ જાગૃત કરીને સ્વસ્થ રાષ્ટ્રના નિર્માણમાં સહભાગી બની રહ્યા છે.ત્યારે તેમનું આ સ્તુત્ય પગલું અન્ય અનેક નાગરિકો માટે પ્રેરણાદાયી અને અનુકરણીય બની રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...