વિચિત્ર અકસ્માત:ગાંધીનગરના ઉવારસદ પાસે ટ્રકચાલકે એક્ટિવાસવારને અડફેટે લેતા મોત, ઘટનાના અડધા કલાક બાદ ટ્રકમાં આગ ફાટી નીકળી

ગાંધીનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના ઉવારસદ ડેન્ટલ કોલેજ - રેલ્વે ફાટક રોડ ઉપર આજે ઢળતી સાંજે રેતી ભરેલી આઈવા ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે હંકારીને એક્ટિવાને અડફેટે લીધું હતું. જેનાં કારણે એક્ટિવા ટ્રકની નીચે ફસાઈ ગયું હોવા છતાં ટ્રકના ચાલકે 200 મીટર જેટલી ટ્રક હંકારી રાખતાં એક્ટિવા સવાર બે યુવાનો પૈકી એકનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. જ્યારે એક યુવાનને ગંભીર ઈજાઓ પહોંચતા સિવિલમાં સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યો છે. જ્યારે અડધો કલાક પછી અચાનક ટ્રકમાં આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ દોડી જઈ આગ પર કાબુ મેળવી લીધો હતો. આ બનાવના પગલે અડાલજ પોલીસે સ્થળ પર પહોંચી તપાસનો દોર શરૂ કર્યો છે.

ગાંધીનગર જિલ્લામાં બેફામ ગતિએ માતેલા સાંઢની માફક દોડતી ટ્રકોનાં કારણે છાસવારે જીવલેણ અકસ્માતો સર્જાતા હોવા છતાં કડક કાર્યવાહી કરવામાં આવતી નથી. આજે પણ ઢળતી સાંજે માતેલા સાંઢની માફક એક આઈવા ટ્રકના ચાલકે એક્ટિવાને અડફેટે લઈ 200 મીટર સુધી ઢસડયુ હતું. આ અકસ્માતમાં 30 વર્ષના યુવાનને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. જ્યારે અડધો એક કલાક પછી ટ્રકમાં આગ પણ લાગી ઉઠી હતી. જેને ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે કાબુમાં લીધી હતી.

ગાંધીનગરના ઉવારસદ ખાંટવાસમાં રહેતાં મિત્રો વિક્રમ ઉદાજી ઠાકોર અને દશરથ મહોતજી ઠાકોર આજે ઢળતી સાંજે એક્ટિવા ઉપર ઉવારસદ કર્ણાવતી ડેન્ટલ કોલેજ રોડ પરથી પસાર થઇ રહ્યા હતા. ત્યારે ડેન્ટલ કોલેજથી રેલવે ફાટક રોડ વચ્ચે એક રેતી ભરેલી આઈવા ટ્રકના ચાલકે પોતાની ટ્રક પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારીને એક્ટિવાને અડફેટે લીધું હતું. જેનાં કારણે એક્ટિવા ટ્રકની નીચે ફસાઈ ગયું હતું. તેમ છતાં ટ્રકના ચાલકે પોતાની ટ્રક અંદાજે 200 મીટર સુધી હંકારી રાખી હતી. આ અકસ્માતમાં એક્ટિવા સવાર વિક્રમ ઠાકોરને શરીરે ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે મોતને ભેટયો હતો. જ્યારે દશરથને શરીરના ભાગે વધતી ઓછી ઈજાઓ થતાં તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે. તો બીજી તરફ ઘટનાની જાણ થતાં અડાલજ પોલીસ મથકના જમાદાર નિલેશભાઈ પણ દોડી ગયા હતા.

ત્યારે આ ઘટનાના અડધો કલાક પછી અચાનક ટ્રકમાં સ્પાર્ક થવાથી આગ ભભૂકી ઉઠી હતી. અને જોતજોતામાં ટ્રકમાં આગની ઝપેટમાં આવી ગઈ જતાં ગણતરીની મિનિટોમાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.જેનાં પગલે બનાવની જાણ થતાં ગાંધીનગર ફાયર બ્રિગેડના સબ ફાયર ઓફિસર કે જે ગઢવી સ્ટાફના માણસો સાથે સ્થળ પર દોડી ગયા હતા.અને આગને કાબુમાં લઈ રાહતનો દમ લીધો હતો. આ અંગે જમાદાર નિલેશભાઈએ ટ્રક ચાલક વિરૃધ્ધ ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...