138 અરજી આવી:ગાંધીનગર જિલ્લાના 125 ખેડૂતને અકસ્માત પેટે કુલ 2.50 કરોડની સહાય ચૂકવાઇ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સહાય માટે જિલ્લામાંથી કુલ138 અરજી આવી હતી
  • નિયત કરેલા ધારા-ધોરણ મુજબ નહી હોવાથી પાંચ અરજી રદ કરાઈ

છેલ્લા બે વર્ષમાં જિલ્લાના 125 ખેડુતોના પરિવારજનોને અકસ્માત મૃત્યુ સહાય પેટે રૂપિયા 2.50 કરોડની સહાય ચુકવવામાં આવી છે. જોકે છેલ્લા બે વર્ષમાં અકસ્માત મૃત્યુ સહાય માટે જિલ્લામાંથી કુલ-138 અરજીઓ આવી હતી. તેમાંથી નિયત કરેલા નિયમોનું પાલન નહી થતું હોવાથી પાંચ અરજીઓ રદ જ્યારે 125 અરજીઓ મંજુર કરવામાં આવી છે.

રાજ્ય સરકાર દ્વારા ખેડુતોના ઉત્થાન માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. તેમાં ખેડુત ખાતેદાર કે તેના પરિવારનું કોઇપણ સભ્ય વીજળી પડવાથી, કરંટ લાગવાથી, ઝાડ ઉપરથી પડી જવાથી, વાહન અકસ્માત, સાપ કરડવો સહિતથી મોત થાય તો આવા ખેડુત ખાતેદારના રાજ્ય સરકારના કૃષિ વિભાગ દ્વારા રૂપિયા 2 લાખની સહાય આપવામાં આવે છે.

જોકે ખેડુત અકસ્માત સહાય યોજના અંતર્ગત હૃદય રોગ કે આત્મહત્યાના કેસમાં ખેડુત ખાતેદાર કે તેના પરિવારના સભ્યોને કોઇ જ પ્રકારની ખેડુત અકસ્માત મોત સહાયનો લાભ મળતો નથી તેમ જિલ્લા ખેતીવાડી અધિકારી એસ.વી.પટેલે જણાવ્યું છે. વધુમાં ગત વર્ષ-1લી, જાન્યુઆરી-2020થી તારીખ 16મી, એપ્રિલ-2022 સુધીમાં ખેડુત અકસ્માત સહાય યોજના અંતર્ગત જિલ્લામાંથી કુલ-138 અરજીઓ ઓનલાઇન મળી છે.

ઓનલાઇન આવેલી અરજીઓની ચકાસણી કરવામાં આવે છે. તેમાં ખુટતા ડોક્યુમેન્ટ અરજદાર પાસેથી મંગાવવામાં આવે છે. તેમ છતાં નિયત કરેલા નિયમોનું પાલન થતું હોય નહી તેવી અરજીઓને રદ કરવામાં આવે છે. છેલ્લા બે વર્ષમાં જિલ્લામાંથી પાંચ લાભાર્થીઓની અરજીઓને રદ કરવામાં આવી છે. જ્યારે મંજુર થયેલી 125 અરજીઓના ખેડુત ખાતેદારોને પ્રતિ અરજી દીઠ રૂપિયા બે લાખ લેખે કુલ રૂપિયા 2.50 કરોડની સહાય ચુકવવામાં આવી છે. તેમાં જિલ્લાના ચારેય તાલુકાઓમાંથી દહેગામમાંથી કુલ-33 અરજીમાંથી 28, ગાંધીનગર તાલુકામાંથી કુલ-47 અરજીમાંથી 34, કલોલ તાલુકામાંથી કુલ-25 અરજીઓમાંથી 21 અને માણસા તાલુકામાંથી કુલ-32માંથી 23 અરજીમાં સહાય ચુકવી દેવાઈ છે.

અન્ય સમાચારો પણ છે...