દહેગામની એડીસી બેંકમાં આજે 50 હજાર ઉપાડીને પરત જઈ રહેલા શિક્ષકનાં ખિસ્સામાંથી રૂપિયા સેરવી લેવાની કોશિશ કરનાર એક દસ વર્ષનો કિશોર રંગેહાથ પકડાઈ ગયો હતો. જેથી પોલીસને જાણ થતા પોલીસે કિશોરની વધુ પૂછતાંછનો દોર શરૂ કર્યો છે.
દહેગામની એડીસી બેંકની અંદર ચોરીનાં ઈરાદે ઘૂસેલા એક દસ વર્ષના કિશોરે શિક્ષકના ખિસ્સામાંથી રૂપિયા સેરવી લેવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, શિક્ષકની સમય સૂચકતાથી કિશોર રંગેહાથ પકડાઈ ગયો હતો. પ્રાપ્ત વિગતો અનુસાર દહેગામના જુના બાબરામાં રહેતા અને અંબિકા નગર પ્રાથમિક શાળામાં કરજ બજાવતા શિક્ષક કનુભાઈ જીવણભાઈ પટેલ એડીસી બેંકમાં પૈસા ઉપાડવા ગયા હતા. જ્યાં પોતાના એકાઉન્ટમાંથી રૂપિયા 50 હજાર ઉપાડી ખિસ્સામાં મૂક્યા હતા. આ સમયે અગાઉથી બેંકમાં હાજર એક દસ વર્ષના બાળકે કનુભાઇના ખિસ્સામાંથી પૈસા કાઢવાનો પ્રયાસ કર્યો હતો. જોકે કનુભાઈની સતર્કતાથી કિશોર રંગેહાથ ઝડપાઈ ગયો હતો. આ ઘટનાના પગલે અન્ય ગ્રાહકો તેમજ કર્મચારીઓ પણ ચોંકી ઉઠયા હતા.
બેંકમાં અગાઉથી કિશોર ચોરીના ઈરાદે ઘૂસી ગયો હતો અને ચોરીના ગુનાને અંજામ આપવાની ફિરાકમાં હતો. બાદમાં કિશોરને બેંક મેનેજર પાસે લઈ જવાયો હતો. જેનાં પગલે પોલીસ પણ બેંક ખાતે દોડી ગઈ હતી. કિશોરની સાથે કોણ કોણ સામેલ છે તેની વિગતો મેળવવાં માટે પૂછતાંછ શરૂ કરવામાં આવી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.