કરૂણાંતિકા:નદીમાં ડૂબી જતાં ઈસનપુર મોટાના કિશોરનું મોત, ભેંસોને બહાર કાઢતાં પગ લપસ્યો હતો

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગર તાલુકાના ઈસનપુર મોટાના કિશોરનું નદીમાં ડૂબી જતાં મોત થયું છે. નદીમાં ગયેલી ભેંસોને કાઢવા જતાં કિશોરને પગ લપસતા તે અંદર પડ્યો હતો. કિશોર ડુબવા લાગતા ત્રણેક લોકોએ તેને અંદર પડીને તેને બહાર કાઢ્યો હતો પરંતુ તેનો જીવ બચ્યો ન હતો. ઘટનાની વિગતો પ્રમાણે ઈસનપુર મોટા ગામનો દેવરાજ કિશોરજી રાઠોડ (15 વર્ષ) શનિવારે પોતાના ઘરેથી ભેંસો ચરાવા નીકળ્યો હતો. ખારી નદી પાસે ચરતી ભેંસો પાણીમાં ઉતરી હતી, સાંજના સમયે ઘર જવાનો સમય થતાં કિશોર નદીમાંથી ભેંસો કાઢવા ગયો હતો.

આ સમયે તેનો પગ લપસી જતાં તે નદીમાં પડી ગયો હતો. દેવરાજને ડૂબતા જોઈને આસપાર રહેલાં ત્રણેક લોકો નદીમાં કૂદી ગયા હતા અને તેને બહાર કાઢ્યો હતો. બેભાન જેવા થઈ ગયેલા દેવરાજને જગાડીને જોતા તેને કોઈ રિસ્પોન્સ આપ્યો ન હતો. જેને પગલે તેને તાત્કાલિક બાઈક પર ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લવાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. ઘટનાને પગલે જાણ કરતાં ચિલોડા પોલીસની ટીમ ગાંધીનગર સિવિલ દોડી આવી હતી. નદીમાં ડુબવાથી કિશોરના મોતને પગલે પોલીસે તેની લાશનું પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. ચિલોડા પોલીસે કિશોરના મોતને પગલે અકસ્માતે મોતની નોંધ કરીને કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.

અન્ય સમાચારો પણ છે...