• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A Team Of Gandhinagar Police Conducted A Search Operation At The Bungalow Of An Elderly Couple Based On The Information Of Liquor, Veela Returned Empty handed.

ખોદ્યો પહાડ નિકળ્યો ઉંદર જેવો ઘાટ:ગાંધીનગર પોલીસની ટીમે દારૂની બાતમીના આધારે વૃદ્ધ દંપતીનાં બંગલે સર્ચ ઓપરેશન કર્યું, કઈ હાથ ન લાગતા વીલા મોઢે પરત ફરી

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બંગલામાંથી ફક્ત પાંચ હજારની ફ્રાંસની શેમ્પેઈન બોટલ મળી આવતા જપ્ત કરી
  • બોટલ રાખવાનો પરવાનો નહીં હોવાથી પોલીસે વૃદ્ધ વિરુદ્ધ ગુનો નોંધ્યો

ગાંધીનગરમાં સેક્ટર - 7 પોલીસની ટીમે મહિલા કોન્સ્ટેબલને સાથે રાખી ગઈકાલે બપોરના સમયે સેક્ટર - 8 ખાતે રહેતા વૃદ્ધ દંપતીનાં ઘરમાં સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. જોકે, આખું ઘર ફેંદી નાખી પાંચ હજારની કિંમતની ફ્રાન્સની શેમ્પેઈનની બોટલ શોધી કાઢી હતી. બંગલામાં સર્ચ ઓપરેશન હાથ ધરવા છતાં બાતમી મુજબની પ્રોહી લગત કોઈ મોટો જથ્થો હાથમાં નહીં આવતાં પોલીસ ટીમે પરત ફરીને 58 વર્ષના વૃદ્ધ સામે ગુનો નોંધ્યો હતો. જોકે, ખોદયો પહાડ અને નિકળ્યો ઉંદર જેવો ઘાટ ઘડાયો છે.
વૃદ્ધ દંપતીનાં ઘરે દરોડો પાડ્યો
ગાંધીનગરના સેક્ટર-7 પોલીસ મથકની હદ વિસ્તારમાં વાહનો ચોરીના ગુનાઓની વણઝાર વચ્ચે ગઈકાલે બપોરના સમયે પોલીસ ટીમે સેક્ટર - 8 માં વૃદ્ધ દંપતીનાં ઘરે દરોડો પાડીને સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ગઈકાલે સેક્ટર - 7 પોલીસ ઈન્સ્પેક્ટર પરાગ ચૌહાણને ટેક્સ્ટ મેસેજ કરીને બાતમી આપવામાં આવી હતી કે, સેક્ટર - 8/સી ખાતે રહેતાં 58 વર્ષીય સંજય વ્યાસનાં ઘરમાં દારૂનો જથ્થો મળશે.
બાતમીવાળા બંગલે તપાસ હાથ ધરી
આ બાતમીના પગલે પીઆઈ ચૌહાણે સ્ટાફના અડધો ડઝનથી વધુની પોલીસ ટીમ સાથે મહિલા કોન્સ્ટેબલોને સાથે રાખી બાતમી વાળા બંગલે તપાસ કરવા સૂચના આપી હતી. આથી પોલીસની ટીમ ફતેપુરાથી બે પંચ શોધીને તાત્કાલિક બાતમી વાળા બંગલે દોડી ગઈ હતી. જ્યાં ડોર બેલ વગાડતા જ એક 56 વર્ષના વૃધ્ધાએ દરવાજો ખોલ્યો હતો અને ટીમ બંગલામાં ઘૂસી ગઈ હતી. સંજય વ્યાસ અંગે પૂછતાછ કરવા લાગી હતી. એટલે વૃધ્ધાએ ફોન કરીને પોતાના 58 વર્ષના પતિ સંજય વ્યાસને બોલાવી લીધા હતા.
કોઈ દારૂનો જથ્થો ન મળ્યો
બાદમાં બંગલાનાં ભોંયરામાં સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું. પરંતુ અહીં કોઈ ચીજવસ્તુ મળી આવી ન હતી. એટલે પહેલાં માળે આવેલા ત્રણ બેડરૂમો ફેંદી નાખ્યા હતા. ત્યારે એક રૂમના કબાટમાંથી ફ્રાન્સની શેમ્પેઈનની એક બોટલ મળી આવી હતી. આ સિવાય બંગલામાં અન્ય જગ્યાએ પણ શોધખોળ કરવા છતાં બાતમી મુજબનો કોઈ દારૂનો જથ્થો મળ્યો ન હતો.
​​​​​​​વૃદ્ધ સંજય વ્યાસ પાસે શેમ્પેઈનની બોટલ રાખવાનો પરવાનો નહીં હોવાથી સેક્ટર - 7 પોલીસે પાંચ હજારની બોટલ જપ્ત કરી વૃદ્ધ વિરુદ્ધ ગુનો નોંધી વીલા મોઢે પરત ફરવાની નોબત આવતાં ખોદ્યો પહાડ નિકળ્યો ઉંદર જેવો ઘાટ ઘડાયો હતો. ઉલ્લેખનીય છે કે, NRI વૃદ્ધ પહેલા ફોરેન રહેતા હતા અને વિદેશ આવતાં જતાં રહેતાં હોય છે. હાલમાં રાજસ્થાનમાં ઓએનજીસીમાં સારી પોસ્ટ ઉપર નોકરી કરી રહ્યા છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી વૃદ્ધને જામીન ઉપર મુકત કર્યા હતા.

અન્ય સમાચારો પણ છે...