દહેગામમાં રહેતા અને અરવલ્લી જિલ્લામાં સ્પેશિયલ એજ્યુકેટર શિક્ષકે વ્યાજખોર પાસેથી 2 મહિના માટે 10 ટકાના વ્યાજે રૂ. 2 લાખ લીધા હતા. જેની સામે પહેલાં જ વ્યાજખોર દ્વારા 20 હજાર કાપી લેવામાં આવ્યા હતા.
દહેગામમાં વ્યાજખોરના ત્રાસનો અઠવાડિયામાં બીજો કિસ્સો
ત્યાર બાદ અલગ અલગ સમયે રૂપિયા વ્યાજ અને મુદ્દલ સાથે પરત કર્યા હતા છતાં વ્યાજખોરે શિક્ષકની કાર પડાવી લઈ પરિવારને ઉઠાવી જવાની ધમકી આપતાં ચિલોડા પોલીસ મથકમાં વ્યાજખોર સામે ગુનો નોંધાવ્યો હતો. મળતી માહિતી મુજબ વિરેનભાઈ પ્રવીણચન્દ્ર સોની (રહે હાલ, ધનસુરા, મૂળ રહે, બારોટવાડા, દહેગામ) અરવલ્લી જિલ્લામાં સ્પેશિયલ એજ્યુકેટર તરીકે નોકરી કરે છે અને સાઇડમાં દાગીના લે-વેચનો ધંધો કરે છે. આશરે 4 વર્ષ પહેલાં દાગીના લે-વેચ કરવામાં ખોટ આવતાં દહેગામના શ્રીનાથ બંગલોમાં રહેતા બકુલ રબારી સાથે પરિચય થયો હતો. તે સમયે નાણાંની જરૂરિયાત ઊભી થતાં બકુલ રબારી પાસેથી 10 ટકા વ્યાજે નાણાં લીધાં હતાં, જેને સમયમર્યાદામાં પરત પણ કરી દીધાં હતાં.
2 વખત વ્યાજે નાણાં લીધા હતા, જેમાં પહેલાં 3 લાખ અને બાદમાં 2 લાખ 10 ટકાના વ્યાજે લીધા હતા. પહેલી રકમ વ્યાજ સહિત ચૂકવી દીધી હતી. ત્યાર બાદ સહી કરેલા કોરા ચેક આપવામા આવ્યા હતા, જેને પરત માગવામાં આવતાં બકુલ રબારી બહાના બતાવતો હતો. ગત માર્ચ મહિનામાં વ્યાજખોર પાસેથી 2 લાખ લીધા હતા, જેમાં 1.80 લાખ રૂપિયા વ્યાજ કાપીને આપ્યા હતા. જેના એક મહિના પછી 1.20 લાખ, પછી 50 હજાર, 20 હજાર અને 15 હજાર ચૂકવ્યા પછી પણ નાણાંની ઉઘરાણી કરતાં શિક્ષક કંટાળીને સાસરી ધનસુરામાં રહેવા જતા રહ્યા હતા.
ગત 22 જુલાઈએ વિરેનભાઈ કામ અર્થે ગાંધીનગર આવ્યા પછી દહેગામ જતા હતા. તે સમયે મગોડી પાસે એક સફેદ ફોર્ચ્યુનર કારે ઓવરટ્રેક કરીને તેમની કાર રોકાવી હતી. તેમાંથી બકુલ રબારી, લાલભાઈ અને અન્ય 2 માણસ ઊતર્યા હતા અને કહ્યું હતું કે તારી કારની ચાવી આપી દે અને તું ફોર્ચ્યુનરમાં બેસી જા. વ્યાજખોરો શિક્ષકને દહેગામ પાસે લઈ ગયા હતા અને નાણાંની માગણી કરીને કાર પડાવી લીધી હતી. ‘મારા બાકીના રુપિયા નહીં આપે ત્યાં સુધી કાર નહીં મળે અને તારા પરિવારને પણ ઉઠાવી જઈશું’ તેવી ધમકી આપતાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર બાદ આરોપી બકુલ રબારી સહિતના આરોપીઓ સામે ચિલોડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.