તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મિશન 2022:હવે C.R.પાટીલના હાથમાં રહેશે ધારાસભ્યોની કામગીરીનું સરવૈયું, રૂ. 66 લાખના ખર્ચે તમામ MLAને ટેબ્લેટ અપાશે

અમદાવાદ3 મહિનો પહેલા
ભાજપના ધારાસભ્યોની બેઠકમાં હાજર નેતાઓ
  • ભાજપની પાઠશાળા, ચૂંટણીની પરીક્ષા માટે નેતાઓએ ધારાસભ્યોનો ક્લાસ લીધો
  • સંગઠન અને સરકાર વચ્ચે સંકલન વધુ મજબૂત કરવા સૂચના
  • કોરોના અને તાઉ-તે વાવાઝોડાની કામગીરી અંગે ચર્ચા થઈ
  • મંત્રી મંડળના વિસ્તરણની કોઈ ચર્ચા થઈ નહીં, નેતૃત્વ પરિવર્તન પણ નહીં થાય
  • ભાજપના ધારાસભ્યોની બેઠકમાં પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત રહ્યા હતા
  • ધારાસભ્યોએ પાટીલને રિપોર્ટ કરવો પડશે, ગુજરાત ભાજપ હવે એપ્લિકેશન લોન્ચ કરશે જેમાં તમામે તમામ ડેટા એડ કરવાના રહેશે

ગુજરાતમાં ભાજપ અને તેની સરકારમાં હાલ ખૂબ હલચલ જોવા મળી છે. અમદાવાદમાં 14 જૂને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ મુલાકાતે આવ્યા હતા. હવે તેમની મુલાકાતના બીજા જ દિવસે ભાજપે પોતાના તમામ ધારાસભ્યો સાથે એક મીટિંગ બોલાવી હતી. ગુજરાત સરકારની કામગીરીના પ્રચાર-પ્રસાર માટે ભાજપ રૂ. 66 લાખના ખર્ચે તમામ ધારાસભ્યને ટેબ્લેટ ફ્રીમાં આપશે, ધારાસભ્ય દળની બેઠકમાં ભાજપ પ્રદેશ પ્રમુખ C.R. પાટીલે જાહેરાત કરી હતી. આ બેઠકમાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ તથા સી.આર પાટીલ પણ વિધાનસભા પહોંચ્યા હતા. પ્રદેશ પ્રભારી ભપેન્દ્ર યાદવ અને સીએમ રૂપાણી, પ્રદીપસિંહ જાડેજા સહિતના મંત્રીઓ હાજર રહ્યાં હતા. આ બેઠકમાં મંત્રી મંડળના વિસ્તરણની કોઈ ચર્ચા થઈ નહોતી.

કામગીરીનો અહેવાલ દરરોજ અપડેટ કરવાનો રહેશે
ગુજરાત ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલે ગાંધીનગરમાં યોજાયેલી બેઠકમાં પોતાના ધારાસભ્યોને કહ્યું કે તેઓએ તેમની કામગીરીનો રિપોર્ટ દરરોજ આપવો પડશે. તેઓને પક્ષ તરફથી ટેબલેટ અપાશે. જેમાં તેમણે દરરોજ પોતાની કામગીરીનો અહેવાલ, ફોટોગ્રાફ્સ, અને વિડીયો અપલોડ કરવાના રહેશે. પાટીલ આ તમામ કામગીરીનું મૂલ્યાંકન પોતાની રીતે કરશે અને તેને આધારે જ આગામી વિધાનસભા ચૂંટણી માટેની ટિકિટો અપાશે. ભાજપના સૂત્રો જણાવે છે કે પાટીલ કોરોનાના સેકન્ડ વેવ દરમિયાન પોતાના પક્ષના ધારાસભ્યો નિષ્ક્રીયતાને લઈને ખાસ્સા નારાજ હતા. તેને લઈને નવી રૂપરેખા ઘડી છે.

600 જેટલા ટેબલેટ આપવામાં આવશે
આ માટે ધારાસભ્યો તથા પદાધિકારીઓને 600 ટેબલેટ અપાશે. જેમાં ભાજપ પોતાની વેબ એપ્લિકેશન મુકશે. દરેકે પોતાની પાસે રહેલી ઇન્ફર્મેશન અને ડેટા આ સોફ્ટવેરમાં અથવા તો એપ્લિકેશનમાં અપડેટ કરવાની રહેશે. પશ્ચિમ બંગાળ અને દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓ વખતે ે વિરોધી પક્ષોની આઈટી સેલની કામગીરી ખૂબ સક્રિય રહી હતી. તેને લઈને ભાજપે હવે આ વ્યૂહ અપનાવ્યો છે તેમ ભાજપના સૂત્રો જણાવે છે.

સંગઠન-સરકાર વચ્ચે સંકલન વધુ મજબૂત કરવા માટે સૂચના
આ બેઠક પૂર્ણ થયા બાદ ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, સંગઠન અને સરકાર વચ્ચે સંકલન વધુ મજબૂત કરવા માટે સૂચના આપવામાં આવી છે. તેમજ ગુજરાતમાં હાલ નેતૃત્વ પરિવર્તન થશે નહીં. કેન્દ્ર સરકારે ગુજરાતને કરેલી મદદ અને વિજય રૂપાણી અને નીતિન પટેલે કોરોનાં બીજી વેવમાં તેમજ વાવઝોડામાં કરેલો કામગીરી માટે ધન્યવાદ પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો. ભાજપના ધરાસભ્ય રોજ લોકો વચ્ચે હોય છે. આગામી વર્ષ 2022માં વિકાસની પ્રક્રિયા આગળ લઈ જવા માટે સૂચન કરવામાં આવ્યા છે.ભાજપના ધરાસભ્ય રોજ લોકો વચ્ચે હોય છે. આગામી વર્ષ 2022માં વિકાસની પ્રક્રિયા આગળ લઈ જવા માટે સૂચન કરવામાં આવ્યા છે.

ધારાસભ્યોએ પોતાની શક્તિ પ્રમાણે કામ કર્યું
પ્રદિપસિંહે આગળ કહ્યું કે, બીજા વેવમાં સંક્રમણમાં ઘટાડો થતા હવે દૈનિક કેસ 400 આસપાસ પહોંચ્યા છે. તેમજ આ દરમિયાન સરકારે કરેલી કામગીરી ધારાસભ્યો સમક્ષ મુકવામાં આવી હતી. ધારાસભ્યોએ પોતાની શક્તિ પ્રમાણે કામ કર્યું છે. સંભવિત ત્રીજી વેવ માટેના આયોજનથી તમામ ધારાસભ્યોને વાકેફ કરવામાં આવ્યા છે.

પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ દ્વારા પેજ પ્રમુખની સ્ટ્રેટેજીનું સફળ આયોજન કરવામાં આવ્યું છે. જેનો રાષ્ટ્રીય સ્તરે પણ ઉપયોગ કરવામાં આવશે. 21મી જૂનના રોજ યોગ દિવસમાં તમામ ધારાસભ્યો અગ્રેસર રહીને ભાગ લે. 25મી જૂન કટોકટીનો કાળો દિવસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે જણાવાયું છે.

પરસોતમ સોલંકી લાંબા સમય બાદ વિધાનસભા સંકુલમાં
આ બેઠકમાં ભાજપના પરસોતમ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. તેઓ પોતાની નાદુરસ્ત તબિયતના કારણે ગેરહાજર રહેતા હતા. જોકે આ બેઠકમાં ભાગ લેવા માટે તેઓ વર્ષો બાદ વિધાનસભા સંકુલમાં આવ્યા હતા. જોકે તબિયત સારી ન હોવાથી તેઓ વહેલા નીકળી ગયા હતા.

વિધાનસભામાં પહોંચેલા પરસોતમ સોલંકીની તસવીર
વિધાનસભામાં પહોંચેલા પરસોતમ સોલંકીની તસવીર

કોરોના તથા વાવાઝોડામાં કરેલી કામગીરીનું પ્રેઝન્ટેશન રજૂ કર્યું
ગુજરાતમાં ધારાસભ્યોની બેઠક સામાન્ય સંજોગોમાં વિધાનસભાના સત્ર પહેલાં તેમને ગૃહમાં ચર્ચા અંગેનું માર્ગદર્શન આપવા બોલાવાય છે, જ્યારે ચૂંટણીઓ આવી રહી હોય તેના અમુક દિવસો પહેલાં જ આવી મીટિંગો યોજાય છે. બેઠકમાં વિધાનસભામાં તાઉ-તે વાવાઝોડા, પ્રથમ લોક ડાઉન અને વેક્સિન અંગેની કામગીરીનું પ્રેઝન્ટેશન રજુ કરવામાં આવ્યું હતું. સાથે સાથે ભાજપની ધારાસભ્ય દળની બેઠકમાં વિવિધ મુદ્દાઓ પર ચર્ચા થઈ હતી.

મીટિંગમાં પહોંચેલા સી.આર પાટીલ અને પ્રદીપસિંહ જાડેજા
મીટિંગમાં પહોંચેલા સી.આર પાટીલ અને પ્રદીપસિંહ જાડેજા

બેઠકમાં પ્રદેશ પ્રભારી ભુપેન્દ્ર યાદવ પણ ઉપસ્થિત
આ બેઠકની જાહેરાત કરતી વખતે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું હતું કે, કોરોનાની બીજી લહેરની સમીક્ષા કરવા અને સંભવિત ત્રીજી લહેર માટેના આગોતરા આયોજનની સમજણ આપવા માટે આ બેઠક બોલાવી. પરંતુ આ સમજણ આપવાની હોય તેવાં કિસ્સામાં પ્રભારીની હાજરી અનિવાર્ય રહેતી નથી. યાદવે આ મીટિંગમાં હાજર રહેવા માટે પોતાનો પ્રવાસ ટૂંકાવ્યો હતો.

11 જૂને કોર કમિટીની બેઠક મળી હતી
11 જૂનના રોજ પ્રદેશ કાર્યાલય 'કમલમ્' ખાતે કોર કમિટીની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં રાષ્ટ્રીય મહામંત્રી અને ગુજરાત પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવ, પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, કેન્દ્રીય મંત્રી પરસોત્તમ રૂપાલા, સંગઠન મહામંત્રી ભીખુભાઈ દલસાણીયા તથા કોર કમિટીના સભ્યો અને પ્રદેશ મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.