આયોજન:પ્રાકૃતિક ખેત ઉત્પાદન માટે જિલ્લા પંચાયતમાં સ્ટોલ ઉભો કરાશે

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • દર શુક્રવારે સ્ટોલમાં ખેડૂતો જ ઓર્ગેનિક વસ્તુનું વેચાણ કરશે
  • ​​​​​​​રાજ્યપાલ તેમજ રાજ્ય સરકાર દ્વારા ​​​​​​​ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અપીલ કરવામાં આવી છે

જિલ્લામાં પ્રાકૃતિક ખેતીને વેગ આપવા માટે ઓર્ગેનિક ખેત ઉત્પાદન શાકભાજી, ફળ, અનાજ અને કઠોળ સહિતના વેચાણનો સ્ટોલ ઉભો કરાશે. દર શુક્રવારે ઉભો કરવામાં આવનાર સ્ટોલમાં ખેડુતો જાતે જ પોતાની ખેત ઉત્પાદન વસ્તુઓનું વેચાણ કરશે.

રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાનો બેફામ ઉપયોગથી ખેતરમાં ઉત્પાદિત થતાં શાકભાજી, અનાજ, કઠોળ અને ફળ આરોગવા આરોગ્ય માટે યોગ્ય નથી. ત્યારે રાજ્યપાલ તેમજ રાજ્ય સરકાર દ્વારા ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તે માટે અપીલ કરવામાં આવી છે. ઉપરાંત રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા અનેક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. જેના માટે પ્રાકૃતિક ખેતી અંગેની જાણકારી ખેડુતોને મળી રહે તે માટે જાણકારી માટેની સુવિધા ઉભી કરાઇ છે.

તેમ છતાં જિલ્લામાં જોઇએ તેટલો પ્રાકૃતિક ખેતી તરફ ખેડુતોનો ઝોક વધ્યો નથી. જોકે તેની પાછળ પ્રાકૃતિક ખેતીમાં ખેડુતોને ખર્ચની સામે ઉત્પાદન ઓછુ થતું હોવાથી તે મુજબનો ભાવ કે ઓર્ગેનિક ખેત ઉત્પાદિત વસ્તુનું વેચાણ થતું નથી. જિલ્લાના ખેડુતો પ્રાકૃતિક ખેતી કરવા પ્રેરાય તે માટે જિલ્લા પંચાયતમાં સ્ટોલ ઉભો કરવાનું આયોજન કરાયું છે.

જિલ્લા પંચાયતમાં જ ઓર્ગેનિક ખેત ઉત્પાદન ફળ, શાકભાજી, અનાજ, કઠોળ સહિતના વેચાણ માટે ખાસ સ્ટોલ દર શુક્રવારે ઉભો કરાશે. આ ઓર્ગેનિક સ્ટોલમાં જિલ્લાના ખેડુતો પ્રાકૃતિક ખેતીથી ખેત ઉત્પાદિત વસ્તુઓનું સીધુ ગ્રાહકો સાથે વેચાણ કરશે. જોકે જિલ્લા પંચાયતમાં ઓર્ગેનિક સ્ટોલ સફળ થાય તો આગામી સમયમાં જિલ્લાના જાહેર તેમજ ધાર્મિક સંસ્થાનોમાં આવા સ્ટોલ ઉભા કરવાનું આયોજન કરાશે તેમ જિલ્લા પંચાયતના માહિતગાર સૂત્રોએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...