મનપાની ભેટ:પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગાંધીનગરના વિવિધ ધાર્મિક સ્થળોનાં દર્શનાર્થે ખાસ બસ રૂટ સેવા શરૂ કરાશે

ગાંધીનગર8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રૂ. 65માં જમવાની અને સાંજે 10 રૂ.માં ચા પીવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી

અમદાવાદ એએમટીએસની માફક ગાંધીનગરમાં પણ પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે જિલ્લાના ધાર્મિક સ્થળોનાં દર્શનાર્થે મ્યુનિસિપલ કોર્પોરેશન ધ્વારા ખાસ બસ રૂટ સેવા શરૂ કરવામાં આવનાર છે. જે માટે પુખ્ત વયનાં માટે રૂ. 60 અને એ સિનિયર સિટીઝન માટે માત્ર રૂ. 30 ટિકિટનો દર રાખવામાં આવ્યો છે.

ગાંધીનગર મેયર હિતેશ મકવાણાનું નવતર આયોજન
તાજેતરમાં જ અમદાવાદમાં એએમટીએસ દ્વારા શ્રાવણ માસ નિમિત્તે ધાર્મિક સ્થળોનાં દર્શનાર્થે ખાસ બસ સેવા શરૂ કરવામાં આવી છે. એજ રીતે ગાંધીનગર જિલ્લાના પણ ધાર્મિક સ્થળોનાં ભાવિકો દર્શન કરી શકે તે માટે ગાંધીનગર મેયર હિતેશ મકવાણા અને ડેપ્યુટી મેયર પ્રેમલસિંહ ગોલના માર્ગદર્શન હેઠળ મહાનગરપાલિકા તથા યોગી એજયુટ્રાન્ઝિટ પ્રા. લી.ના સંયુક્ત ઉપક્રમે ખાસ બસ સેવા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.

ભાવિકો ધાર્મિક સ્થળોનાં દર્શન નજીવા દરે કરી શકશે
પવિત્ર શ્રાવણ માસને ધ્યાનમાં રાખીને ગાંધીનગર મહાનગરપાલિકાના મેયર હિતેષભાઈ મકવાણા તેમજ ડે. મેયરશ્રી પ્રેમલસિંહ ગોલના માર્ગદર્શન હેઠળ શરૂ થનારી ખાસ બસ સેવાના કારણે ભાવિકો જિલ્લાના ધાર્મિક સ્થળોનાં દર્શન નજીવા દરે કરી શકશે. સોમવારથી ગંધીનગર ખાતે શહેરી બસ સેવા અંતર્ગત આ બસ સેવાની શરૂઆત કરવામાં આવશે.

જિલ્લાના મોટાભાગના ધાર્મિક સ્થળોનાં દર્શન કરી શકાશે
ગાંધીનગરની ધર્મપ્રેમી જનતા પવિત્ર શ્રાવણ માસમાં ધાર્મિક સ્થળોએ સરળતાથી મુસાફરી કરી શકે તે માટે આ સુવિધા શરૂ કરવામાં આવશે. ગાંધીનગર અને તેની આજુબાજુના વિસ્તારમાં આવેલ ધાર્મિક સ્થળોએ શ્રાવણ માસમાં જાહેર પરિવહન દ્વારા સલામત તેમજ આર્થિક પરવડે તેવી વ્યવસ્થા કરવામાં આવશે. વાસણીયા મહાદેવ, ગોગા મહારાજ- ઉનાવા, ગાયત્રી મંદીર માણસા, ઉમિયા મંદિર માણસા, અસુદેવ મહાદેવ – જામલા, અક્ષરધામ, પંચદેવ મંદિર- સેક્ટર -22, જલારામ મંદિર – સેક્ટર 29, સ્વામિનારાયણ મંદિર- સેક્ટર – 2, ધોળેશ્વર મહાદેવ, વૈષ્ણવદેવી મંદિર, ત્રિમૂર્તિ મંદિર, રૂપાલનું ઐતિહાસિક વરદાયિની માતાનું મંદિર, જૈન તીર્થ ધામ મંદિર- મહુડી, જેવા તમામ સ્થળો પર દર્શન માટે આ ખાસ બસ રૂટ સેવાનું આયોજન કરવામાં આવ્યું છે.

નાગરિકોને નીચે મુજબની શરતોને આધિન આ સુવિધાનો લાભ મળશે

  • - આ પ્રવાસ માટે કોઈપણ પ્રકારનો પાસ માન્ય ગણાશે નહિ.
  • - પુખ્ત વયના પ્રવાસીની ટિકિટ રૂ. 60 અને બાળકો તેમજ સિનિયર સીટીઝનની ટિકિટ રૂ. 30 રહેશે.
  • - આ બસ સેવા શહેરી બસ સેવા બસ સ્ટોપ સેક્ટર- 6થી ઉપલબ્ધ થશે.
  • - પ્રવાસનો સમય સવારે 8:15 થી સાંજે 4:30 સુધીનો રહેશે.
  • - પ્રવાસ દરમિયાન બપોરે 1:00 થી 1:30 વાગે રૂ. 65માં જમવાની અને સાંજે 10 રૂ.માં ચા પીવા માટેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે મરજીયાત છે.
  • - આ બસ સેવા ફક્ત શ્રાવણ માસ પુરતી જ ચાલુ રહેશે.
અન્ય સમાચારો પણ છે...