અવસર લોકશાહીનો:ગાંધીનગર જિલ્લામાં આવતીકાલે 250 સ્થળોએ મતદારોને જાગૃત્ત કરવા માટે સહી ઝુંબેશ હાથ ધરાશે

ગાંધીનગર9 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસવીર

’અવસર લોકશાહીનો’ અંતર્ગત ગાંધીનગર જિલ્લાના પાંચ વિધાનસભા મતદાર વિભાગમાં મતદાન જાગૃત્તિ અર્થે સહી ઝુંબેશ યોજવાનું આયોજન જિલ્લા ચૂંટણીતંત્ર દ્વારા કરવામાં આવ્યું છે. જે અંતર્ગત જિલ્લાનાં 250 સ્થળોએ આવતીકાલે 23 નવેમ્બરે સહી ઝુંબેશ યોજાશે. જિલ્લાના યુવાનો મોટી સંખ્યામાં મતદાન જાગૃત્તિની સહી ઝુંબેશમાં સહભાગી બને તે માટે 18 કોલેજોમાં પણ આ કાર્યક્રમ યોજાશે.

ચૂંટણી પંચ દ્વારા લોકશાહીના મહાપર્વ સમાન ચૂંટણી પ્રક્રિયામાં વધુમાં વધુ સંખ્યામાં નાગરિકો સહભાગી બને તેવા ઉમદા આશયથી ‘અવસર લોકશાહીનો’ અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. લોકશાહીના આ અવસરની ભવ્યાતિભવ્ય ઉજવણી મતદાન થકી જ કરી શકાય છે. અવસર લોકશાહીનો સાચા અર્થમાં સાર્થક કરવા માટે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અઘિકારી પ્રવિણા ડી.કે.ના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં જ્યાં મતદાન ઓછું થયું હતું, તેવાં સ્થળો ખાતે ‘અવસર રથ’ થકી મતદારોને જાગૃત્ત કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, જિલ્લામાં મતદારોને જાગૃત કરવા માટે કાર્યરત સ્વીપની કામગીરી અંતર્ગત આવતીકાલ તા. 23મી નવેમ્બરના રોજ સહી ઝુંબેશ કાર્યક્રમ યોજાનાર છે. આ કાર્યક્રમ જિલ્લાના 250 જાહેર સ્થળો ખાતે યોજાશે. જેમાં જિલ્લાના 55 મતદાન બુથ કે જયાં મતદાન ઓછું થયું હતું ત્યાં આ કાર્યક્રમનું ખાસ આયોજન કરવામાં આવ્યું છે. તેની સાથે આ કાર્યક્રમ થકી યુવાઓ મતદાન કરવા પ્રેરાય અને મોટી સંખ્યામાં મતદાન કરીને અવસર લોકશાહીને સાચા અર્થમાં સાર્થક કરે તે માટે જિલ્લાની 18 કોલેજોમાં પણ આ કાર્યક્રમ યોજાનાર છે.

તદુપરાંત, જિલ્લાના નક્કી થયેલાં જાહેર સ્થળો અને એસ.ટી. ડેપો ખાતે પણ આ કાર્યક્રમ યોજવામાં આવશે. ‘હું વોટ કરીશ...’ તે અંગેની જાગૃત્તિ આવે તેવા ઉમદા ભાવ સાથે ગાંધીનગર જિલ્લા ચૂંટણી અધિકારીના માર્ગદર્શન હેઠળ આ અંગેની સુચારું વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ સહી ઝુંબેશ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મતદારો સહભાગી બને તે માટે પાંચેય વિધાનસભા મતદાર વિભાગમાં જરૂરી આયોજન કરવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...