નજીવી બાબતે ધિંગાણું:ગાંધીનગરના સેકટર - 7 માર્કેટમાં પતંગનો ધંધો કરવાની બાબતે ધિંગાણું, પિતા પુત્રોએ બે મહિલાઓને લાકડી વડે ઢોર માર માર્યો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

ગાંધીનગરના સેકટર - 7 માર્કેટમાં પતંગની લારી ઉભી રાખી ધંધો કરવા બાબતે સેકટર - 3 ન્યુ ખાતે રહેતા પિતા પુત્રોએ બે મહિલાઓ ઉપર લાકડી હૂમલો કરી ગડદાપાટુનો ઢોર માર મારતા સેકટર - 7 પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

ગાંધીનગરમાં પતંગનો ધંધો કરવા માટે તંત્ર દ્વારા નિયત જગ્યાઓ ફાળવવામાં આવી હોવા છતાં ગેરકાયદેસર રીતે પતંગની હાટડીઓ ઠેર ઠેર ખુલી ગઈ છે. સેકટર - 7 માર્કેટમાં પણ પતંગ સહિતની લારીઓ ખડકાઈ જવાથી અહીં ટ્રાફિક જામની સમસ્યા ઉપરાંત છાશવારે નાના મોટી તકરારો થતી રહે છે. તેમ છતાં દબાણ તંત્ર કે પોલીસ તંત્ર દ્વારા નક્કર પગલાં ભરવામાં આવતાં નથી. ત્યારે અહીં પતંગનો ધંધો કરવા માટે માથાકૂટ થતાં વાત મારામારી સુધી આવી ગઈ હતી.

અમદાવાદના અસારવા ખાતે રહેતા મંજુબેન પટણી સેકટર - 7 માં પતંગની લારી ચલાવે છે. જ્યાં તેમની દીકરી અમિતાના પતિના મિત્ર જગદીશભાઇ જીવણભાઇ પટણી ગયો હતો અને કહેવા લાગેલો કે તમે અહીં પતંગનો ધંધો કેવી રીતે કરો છો એ જોઈએ છે. આથી અમદાવાદથી પતંગનો ધંધો કરવા આવેલા મંજુબેન તેમની દીકરી અમિતા અને તેના સાસુ સોનીબેનને લઈને સેકટર - 3 ન્યુ ખાતે જગદીશ સાથે વાત કરવા ગયા હતા.

જ્યાં સામાન્ય વાતચીત કરતાં જ જગદીશ એકદમ ઉશકેરાઇને ગાળાગાળી કરવા લાગ્યો હતો. જેનું ઉપરાણું લઈ તેનો ભાઈ નરેશ પણ લાકડી લઈને પહોંચી ગયો હતો અને મંજુબેન અને સોનીબેન ઉપર હૂમલો કર્યો હતો. આ જોઈ જગદીશનો પિતા જીવણભાઈ પણ આવેશમાં આવી ગયો હતો. અને બંને મહિલાઓને ગડદાપાટુનો ઢોર માર મારવા લાગ્યો હતો.

આ બનાવના પગલે અન્ય લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે તેઓને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના તબીબે સોનીબેનનાં માથામાં ટાંકા લીધા હતા. અને મંજુબેનને પ્રાથમિક સારવાર આપી હતી. આ અંગે પોલીસે ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...