રાંદેસણના ઇમ્પોર્ટ અને એક્ષપોર્ટનુ કામ કરતા વેપારીને ઓનલાઇન સંપર્ક બાદ માલ મંગાવવાનો કડવો અનુભવ થયો છે. તામીલનાડુના વેપારી સાથે ઓનલાઇન સંપર્ક થયા પછી બળેલા ઓઇલનો ઓર્ડર આપ્યો હતો. જેના 5 લાખ રુપિયા નેફ્ટ દ્વારા મોકલી આપ્યા હતા અને 15 દિવસમા માલ મળી જશે તેવી બાંહેધરી આપી હતી. સમય મર્યાદા પુરી થયા પછી પણ માલ નહિ આવતા ફોન કરાયો હતો, પરંતુ કોઇ જવાબ આપવામા આવતો ન હતો. જેથી બે લોકો સામે ઇન્ફોસિટી પોલીસ મથકમા છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.
મળતી માહિતી મુજબ વિશાલ લક્ષ્મીકાંત સુથાર (રહે, પ્રમુખ પ્રાઇડ, રાંદેસણ) ગજ્જર ટેકનોલોજીસ પ્રા.લી. નામથી કંપની ચલાવે છે, જેમા ટ્રેડીંગ અને કન્સલ્ટન્સી તથા ઇમ્પોર્ટ એક્ષપોર્ટની કામગીરી કરે છે. ત્યારે વર્ષ 2021મા કંપનીમા રાંધણ તેલ (બળેલુ ઓઇલ)નો ઓર્ડર મળ્યો હતો. જેથી ઓર્ડર પુરો કરવા ઓનલાઇન સર્ચ કરવામા આવ્યુ હતુ. જેમા બાયોગ્રીન એક્ષપોર્ટ (ઓપીસી) પ્રા.લી નામની કંપનીનો સંપર્ક થયો હતો. જેમા કંપનીના ડાયરેક્ટર સાદીકઅલી મોહમ્મદ હનીફ (રહે, 85/22ડી, શાહનગર, જી. કારુર, પલ્લાપટ્ટી, તામીલનાડુ) સાથે વાત થઇ હતી.
ઓર્ડર મુજબ 100 ટન વપરાયેલી રાંધણ તેલની જરુરીયાત હોવાથી ડીસેમ્બર 21મા ભાવ મંગાવ્યા હતા. જેની કિંમત 10 લાખ નક્કી કરી વાતચીત કરી હતી. ત્યારબાદ વેપારી કોઇમ્બતુર ગયો હતો અને ત્યા રોકાયો હતો. સાદીકઅલી સાથે એક હોટલમા મિટીંગ કરી હતી. તે સમયે નક્કી થયુ હતુ કે, મને 5 લાખ રૂપિયા મોકલી આપજો અને 15 દિવસમા ઓઇલ મોકલી આપશે. તેવી વાત થયા પછી પરચેજ ઓર્ડર આપવામા આવ્યો હતો અને કંપનીના લેટરપેડ ઉપર પરચેજ સ્વીકાર્યો હતો.
ત્યારપછી જાન્યુઆરી 22મા સાદીકઅલીના બેંક એકાઉન્ટમા 5 લાખ રુપિયા નેફ્ટ દ્વારા મોકલી આપ્યા હતા. પરંતુ નાણાં મળી જવા છતા 15 દિવસની બોલી મુજબ ઓઇલ મળ્યુ ન હતુ અને ફોન કરી રુપિયા પરત માગવા છતા આપવામા આવતા ન હતા. જેથી સાદીકઅલી અને અન્ય એક વ્યક્તિ સામે ઇન્ફોસિટી પોલીસ મથકમા છેતરપિંડીની ફરિયાદ કરવામા આવતા તપાસ હાથ ધરવામા આવી હતી. વેપારીને ઓનલાઇન સપર્ક લાખોમાં પડ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.