તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ચેકીંગ:ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં મુલાકાતીઓ જોડેથી 7 કિલો પાન મસાલાનો જથ્થો જપ્ત કરાયો

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અત્યાર સુધીમાં 7 કિલો પાન મસાલાનો જથ્થો સિક્યુરિટી દ્વારા જપ્ત કરાયો
  • આગામી દિવસોમાં આ જથ્થાને ખાડો ખોદીને નાશ કરાશે

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવતા મુલાકાતીઓ પાસેથી અત્યાર સુધીમાં 7 કિલો પાન મસાલાનો જથ્થો સિક્યુરિટી દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે. ત્યારે હવે આગામી દિવસોમાં પાન મસાલાનાં જથ્થાને ખાડો ખોદીને નાશ પણ કરવામાં આવશે.

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં આવતા દરેક મુલાકાતી તેમજ દર્દીનાં સ્વજનોને પ્રવેશ દ્વાર આગળથી જ સિક્યુરીટી દ્વારા ચેક કરીને પ્રવેશ આપવામાં આવતો હોય છે. સિવિલમાં પાન મસાલ લઈને આવતાં લોકોનાં ખિસ્સા ચેક કરીને જથ્થો એકઠો કરવામાં આવી રહ્યો છે.

નિયમ મુજબ પાન મસાલા જેવી કે તમાકું, બીડી, તેમજ સિગરેટ જેવી ચીજો સાથે સિવિલમાં પ્રવેશ નિષેધ છે. તેમ છતાં મુલાકાતીઓ પાન મસાલા લઈને સિવિલમાં પ્રવેશી જઈ જ્યાં ત્યાં ગંદકી કરતા રહેતા હોય છે. જેનાં પગલે સિવિલનાં તાત્કાલિક સારવાર વિભાગ, ઓપીડી, નવા જુના બિલ્ડીંગ સહિતના સ્થળોએ સિક્યુરિટી દ્વારા મુલાકાતીઓનું ચેકીંગ કરવામાં આવતું હોય છે.

ઉપરાંત અહીં રાખવામાં આવેલા બોક્સમાં સ્વેચ્છાએ પાન મસાલા જેવી ચીજો નાખી દેવા માટે મુલાકાતીઓને સૂચન પણ કરવામાં આવતું હોય છે. જેથી કરીને ઘણા મુલાકાતીઓ સ્વયંભૂ પાન મસાલા બીડી સિગારેટ અને તમાકું બોક્સમાં નાખીને અંદર પ્રવેશ કરતા હોય છે. આ અંગે સિવિલ સૂત્રોએ જણાવ્યું હતું કે, સિવિલમાં પાન મસાલા લઈને આવતા મુલાકાતીઓને દરવાજા આગળથી જ ચેક કરીને સામાન લઈ લેવામાં આવે છે. આ કામગીરી છેલ્લા કેટલાય સમયથી ચાલતી આવે છે.

દરરોજ જે પણ પાન મસાલા, બીડી સિગારેટ સહિતનો જથ્થો એકઠો થાય તેને સાંજે સેનેટરી ઈન્સ્પેક્ટર પાસે જમા કરાવી દેવામાં આવે છે. ત્યારે અત્યાર સુધીમાં 7 કિલો જેટલો પાન મસાલા બીડી તમાકું સહિતનો જથ્થો એકઠો થયો છે. જેનો આગામી દિવસોમાં ખાડો ખોદીને નાશ કરી દેવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે સિવિલ તંત્ર દ્વારા ગમે તેટલી સિક્યુરિટી કે ચેકીંગ કરવામાં આવે પણ વ્યસનીઓ કોઈને કોઈ પ્રકારે પાન મસાલા સહિતની ચીજો લઈને સિવિલમાં પ્રવેશ મેળવી લેતા હોવાની વાત પણ નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...