ગુજરાત વિધાનસભામાં શુક્રવારે સમાચાર સંસ્થા બીબીસી વિરુદ્ધ કેન્દ્ર સરકારને પગલાં લેવાની ભલામણ કરતો એક પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે. બીબીસીએ થોડા સમય પહેલાં ગોધરાકાંડ અને પછીના રમખાણોને લઈને રજૂ કરેલી ડોક્યુમેન્ટ્રીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની છબિને ખરડવાના પ્રયાસ તરીકે આ પ્રસ્તાવમાં લેખાવાઈ છે.
સોજિત્રાના ભાજપના ધારાસભ્ય વિપુલ પટેલ શુક્રવારે વિધાનસભામાં આ સંકલ્પ રજૂ કરશે. ઉલ્લેખનીય છે કે, બીબીસીએ પ્રસારિત કરેલી આ વિવાદિત ડોક્યુમેન્ટ્રીના ભારતમાં પ્રસારણ પર રોક લગાવવામાં આવી છે. આ સંકલ્પ માટેના પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે, ગુજરાતમાં બનેલી આ ઘટના સંદર્ભે સરકારે રચેલા જસ્ટિસ નાણાવટી અને શાહ કમિશનના રિપોર્ટમાં નરેન્દ્ર મોદીને ક્લીન ચીટ આપવામાં આવી હતી.
તેમ છતાં આંતરરાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન અને ભારતની છબિને નુકસાન કરવાના બદઇરાદાથી બીબીસીએ આ ડોક્યુમેન્ટ્રી ઘટનાનાં વીસ વર્ષ બાદ પ્રસારિત કરવામાં આવી હતી. વિદેશી ફંડ મેળવતી કેટલાક એનજીઓ અને કેટલીક ખાનગી વ્યક્તિઓએ પણ છબિ ખરડવા પિટિશનો કરી હતી, જેને કોર્ટે ફગાવી દીધી હતી. ભારત લોકશાહી દેશ હોવાથી સમાચાર માધ્યમોને મળેલી સ્વતંત્રતાનો દુરુપયોગ ન કરવો જોઈએ તેવી બાબત આ સંકલ્પમાં રજૂ કરાશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.