• Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A Presentation Was Made To The Chief Minister In Gandhinagar Regarding The Recruitment Of Forest Rangers Which Has Been Deteriorating For The Last Three Years In The State.

રજૂઆત:રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી ખોરંભે ચઢેલી વનરક્ષકની ભરતી અંગે ગાંધીનગરમાં મુખ્યમંત્રીને રજૂઆત કરાઇ

ગાંધીનગર5 મહિનો પહેલા
  • ભરતી પ્રક્રિયા તાત્કાલિક પુર્ણ કરી કસોટીની તારીખ જાહેર કરવાં સીએમને આવેદનપત્ર અપાયું

રાજ્યમાં છેલ્લા ત્રણ વર્ષથી ખોરંભે ચઢેલી વન રક્ષકની ભરતી પ્રક્રિયા સંદર્ભે આજે મોટી સંખ્યામાં ઉમેદવારો એકઠા થઈને તાત્કાલિક ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી કસોટીની તારીખ જાહેર કરવા માટે ગાંધીનગરમાં મુખ્યમંત્રીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે.

ત્રણ વર્ષ અગાઉ એટલે કે તા. 06/11/2018 નાં રોજ અધિક અગ્ર મુખ્ય વન સંરક્ષક, વહિવટ અને આઈ.ટી, ગુજરાત રાજ્ય, ગાંધિનગરનાઓ દ્વારા જાહેરાત ક્રમાંક: FOREST/201819/1 સંદર્ભે 'વનરક્ષક' સંવર્ગ, વર્ગ-3ની 334 જેટલી જ્ગ્યા પર નિમણુંક માટે શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર તા:14/11/2018 થી તા. 28/11/2018 સુધી ઓનલાઈન અરજીઓ સ્વીકારવાની જાહેરાત કરાઈ હતી. જેમાં અસંખ્ય યુવાનો દ્વારા અરજી કરવામાં આવી હતી.

ત્યારબાદ 334 'વનરક્ષક'ની નિમંણુક માટે તા.23/12/2018નાં રોજ કસોટી યોજાવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ કોઈ કારણોસર તા.10/12/2018 નાં રોજ વનરક્ષકની કસોટી મોકુફ રાખવાની જાહેરાત કરવામાં આવી હતી. આમ, આજે ત્રણ ત્રણ વર્ષ જેટલો ખુબજ લાંબો સમય થઈ જવા છતાંય વનરક્ષકની ભરતી પ્રક્રિયા વનવિભાગ તથા સરકાર દ્વારા પુર્ણ કરવામાં આવી નથી.

વાઈલ્ડ લાઈફ એક્ટિવિસ્ટ મયંક ભટ્ટ દ્વારા જણાવાયું હતું કે, આજે કસોટીની આશાએ હજારો યુવા ઉમેદવારો લેખિત અને પ્રાયોગિક પરિક્ષા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે. અસંખ્ય એવા પણ યુવા ઉમેદવારો છે કે, જેમની ઉંમરની લાયકાત હતી તે પુરી થઈ જતા વનરક્ષકની કસોટી પુર્ણ કરવાની આશા મરી પરવારી છે. ગુજરાતનાં અસંખ્ય આશાસ્પદ યુવા ઉમેદવારોએ વનરક્ષક બનવાની આશા છોડી દીધી છે. હજારો માતા-પિતાનાં પોતાનાં સંતાનો માટે વનરક્ષકનાં પદ પર બેસાડવાનાં સ્વપ્ના પર પાણી ફરી વળ્યા છે. ગુજરાતનાં આ હજારો યુવાનોનો ગુજરાત સરકાર પરથી ભરોસો ડગમગી ગયો છે.

કેટલાંક અડગ યુવાનોએ અસંખ્યવાર ગુજરાત વનવિભાગ અને ગુજરાત સરકાર સમક્ષ ભરતી પ્રક્રિયા પુર્ણ કરવા રજુઆતો, વિનંતીઓ કરેલ તેમ છતાંય ગુજરાત વનવિભાગ અને ગુજરાત સરકાર તરફથી સકારાત્મક અભિગમ કે જવાબ આજદિન સુધી મળી નથી. ગુજરાત વન્ય સંપદા અને જૈવ સંપદાથી સમૃદ્ધ હતુ. પરંતુ, આ વન અને વન્યજિવોનાં વનરક્ષકોની સદંતર અછતનાં કારણે વન્યજિવો અને વનોની દેખભાળમાં અને સુરક્ષામાં નિષ્ક્રિયતા જોવા મળી રહી છે.

ગુજરાતની આન, બાન, શાન અને ગૌરવ સમા એશિયાઈ સિંહો આજે જંગલ છોડી ગ્રામ્ય વિસ્તારમાં જ્યારે આવી ચડે છે. ત્યારે, રોડ- રસ્તા પર માર્ગ અકસ્માત તથા રેલવે ટ્રેક પર કપાઈ મૃત્યુ પામવાનાં અનેક કિસ્સા બની રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારમાં આવી ચડતા સાવજો અને અન્ય વન્યજિવોનો મનુષ્ય સાથે સંઘર્ષ થાય છે. ત્યારે, આ વનરક્ષકો વન્યજિવોની દેખરેખ રાખી બન્નેને સુરક્ષિત કરી શકે છે. વન્ય સંપદાનું નિકંદન નિકળી રહ્યું છે. ત્યારે, વનરક્ષકો તેને સુરક્ષિત રાખી શકે છે.

આજે વન્ય અને જૈવ સંપદાને સુરક્ષિત અને સમૃદ્ધ રાખવા માટે વનરક્ષકની તાત્કાલિક ભરતી થવી જ જોઈએ. આજે ગુજરાત સરકાર દ્વારા સુશાશન સપ્તાહની સમગ્ર ગુજરાતમાં ભવ્ય અને રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી હોય ત્યારે આજે ફરીવાર મુખ્યમંત્રીને આવેદન પત્ર આપી તાકીદે ઘટતા પગલાં ભરવા આવેદન પત્ર આપવામાં આવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...