ગાંધીનગરમાં આજે સવારના સમયે અમદાવાદથી આવતી શિફ્ટ કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવી દઈ કારને ઘ - 3 ના સર્કલમાં ઘુસાડી દેતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. ત્યારે દારૂના નશામાં પોલીસ કર્મચારી કાર ચલાવતો હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે.
કાર સર્કલમાં ઘૂસી ગઈ
ગાંધીનગરના ચ - 6 સર્કલ પર ગઈકાલે સવારે ખાનગી બસની ટક્કરથી સ્કૂલ વાન પલટી ખાઈ જવાથી બાળકો ઈજાગ્રસ્ત થયાની ઘટનાના શહેરમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે. એવામાં આજે પણ સવારના સમયે બેફામ ગતિએ દોડતી કાર કાર ડિવાઇડર કૂદીને ઘ - 3 સર્કલમાં ઘૂસી જતાં લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. સવારે એકતરફ બાળકો સ્કૂલે જઈ રહ્યા હતા. એજ સમયે કાર પૂરપાટ ઝડપે ઘ - 3 સર્કલમાં ઘૂસી ગઈ હતી.
જાનહાનિ ટળી
ગાંધીનગરમાં આજે સવારના અમદાવાદ તરફથી આવતી શિફ્ટ કાર બેફામ ગતિએ ડિવાઇડર કૂદીને ઘ - 3 સર્કલમાં ઘૂસી ગઈ હતી. જેનાં કારણે આસપાસના લોકો દોડી આવ્યા હતા. જો કે સદનસીબે આ અકસ્માતમાં કોઈને જાનહાનિ થઇ નથી. પરંતુ લોકોના કહેવા મુજબ કારનો ચાલક પોલીસ કર્મચારી હતો . અને પુષ્કળ દારૂ પીધેલી હાલતમાં હતો. જ્યારે સાયકલ લઈને સ્કૂલે જતી એક કિશોરી કારની અડફેટે આવતાં રહી ગઈ હોવાનું પણ બહાર આવ્યું છે. આ મામલે પોલીસ વધુ તપાસ કરી રહી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.