અકસ્માત:પેથાપુર ચાર રસ્તા પાસે રાહદારીને રિક્ષાચાલકે અડફેટે લેતા સારવાર દરમિયાન મોત

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાદલાં પિંજવાનું કામ પૂર્ણ કરી પરિવાર સાથે ઘરે જતી વખતે વૃદ્ધને રીક્ષા ચાલકે ટક્કર મારી હતી

ગાંધીનગરના પેથાપુર ચાર રસ્તા પાસે રોડ ક્રોસ કરતી વખતે રિક્ષામાં ચાલકે પોતાની રીક્ષા પૂરપાટ ઝડપે હંકારી ટક્કર મારતાં ગંભીર રીતે ઘવાયેલા રાહદારીનું અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થતાં પોલીસે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરના પેથાપુર ખાતે રહેતાં શરીફાબેન મુલતાની પતિ ઉસ્માનભાઈ સાથે ગાદલાં પિંજવાનો ધંધો કરે છે. તેમના પતિની પહેલી પત્નીનું 15 વર્ષ અગાઉ મૃત્યુ થઈ ચૂક્યું છે. જેને ચાર સંતાનો છે. અને શરીફાબેન નિઃસંતાન છે. ગઈકાલે શરીફાબેન અને ઉસ્માનભાઈ પેથાપુર ઓમકાર રેસિડેન્શિમાં ગાદલાં પિંજવા માટે ગયા હતા.

તે વખતે તેમની ભાણી યાસમીન, પૌત્ર સહેજાન, પૌત્રી તમન્ના અને દીકરા હનીફભાઈની દીકરી સોફિયા પણ સાથે ગયા હતા. સાંજના સમયે કામ પૂર્ણ થઈ જતાં બાળકોને ભૂખ લાગતા પતિ પત્ની તેમને પેથાપુર પાસેની હોટલમાં જમવા માટે લઈ ગયા હતા. જ્યાંથી સમગ્ર પરિવાર ઘરે પરત જવા માટે નીકળ્યો હતો.

આ દરમિયાન પેથાપુર ચાર રસ્તા પાસે ગોપાલ પાન પાર્લર સામેથી રોડ ક્રોસ કરતી વખતે રાત્રિના આઠેક વાગ્યાના અરસામાં ગાંધીનગર તરફથી આવતી રીક્ષાના ચાલકે પોતાની રીક્ષા પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી રોડ ક્રોસ કરતાં ઉસ્માનભાઈને ટક્કર મારી હતી. જેનાં કારણે ઉસ્માનભાઈ જમીન પર પછડાયા હતા.

અકસ્માત થતાં રીક્ષા ચાલક તોકીફ મનસૂરી (રહે. મદીના હાઇટસ, પેથાપુર) ઈજાગ્રસ્ત ઉસ્માનભાઈને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે લઈ ગયો હતો. સિવિલમાં પ્રાથમીક સારવાર કર્યા પછી ગંભીર રીતે ઘાયલ ઉસ્માનભાઈને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે તેમની પત્ની 65 વર્ષીય શરીફાબેનની ફરિયાદના આધારે પેથાપુર પોલીસે રીક્ષા ચાલક તોકીફ મનસૂરી વિરુદ્ધ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...