તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:કલોલનાં પલસાણા રોડ પર ઈકો કારની ટક્કરથી ઘાયલ રાહદારીનું સારવાર દરમિયાન મોત

ગાંધીનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થતાં કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી

કલોલના પલસાણા રોડ ગુરુકુળ નજીક અજાણ્યા ઈકો વાહન ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી ટક્કર મારતાં ગંભીર રીતે ઘાયલ થયેલા રાહદારીનું સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થતાં કલોલ તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કલોલના ધાનજ ગામે રહેતા 41 વર્ષીય નટવરજી જીવાજી ઠાકોર ગત. તા. 28 મી ઓગસ્ટનાં રોજ પલસાણા રોડ ગુરુકુળ નજીક થી પસાર થઈ રહ્યા હતા ત્યારે સાંજના સમયે કોઈ અજાણ્યા ઈકો કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારી નટવરજી ઠાકોરને અડફેટે લીધા હતા.

અકસ્માત કર્યા પછી કારનો ચાલક સ્થળ પરથી નાસી ગયો હતો. જયારે આ અકસ્માત સર્જાતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા હતા. બાદમાં નટવરજી ને 108 એમ્બ્યુલન્સ મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

બનાવની જાણ થતાં નટવરજીના કૌટુંબિક ભાઈ જવાનજી ઠાકોર પણ હોસ્પિટલ દોડી આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક સારવાર આપી ગંભીર રીતે ઘાયલ નટવરજીને વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલમાં મોકલી આપ્યા હતા. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. જ્યારે મૃતકને પરિવારમાં કોઈ ના હોવાથી લાશનો કબજો જવાનજી ઠાકોર ને સોપવામાં આવ્યો હતો. જેમની ફરિયાદના આધારે કલોલ તાલુકા પોલીસ મથકમાં કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...