આર્થિક રાહત:એક માસ પહેલાં રૂપિયા 20માં 250 ગ્રામ મળતું શાકભાજી હાલમાં 1 કિલો મળી રહ્યું છે

ગાંધીનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • શાકભાજીના ભાવમાં ઘટાડો થતાં ગૃહિણીઓના બજેટમાં આર્થિક રાહત

સારા વરસાદ અને ઠંડીની જમાવટને પગલે હાલમાં શાકભાજીનો ઉતાર સારો થવાથી બજારમાં મબલખ પાક આવી રહ્યો છે. જેને પરિણામે એક માસ અગાઉ જે શાકભાજી રૂપિયા 20નું અઢીસો ગ્રામ મળતું હતું તે હાલમાં 1000 ગ્રામ મળી રહ્યું છે. શાકભાજીના ભાવ ઘટતા ગૃહિણીઓના બજેટમાં આર્થિક રાહત મળી રહી છે.

છેલ્લા ત્રણ વર્ષથી વરસાદની ખેંચને પગલે તેની સીધી અસર ખરીફ અને રવિ પાક ઉપર પડતી હતી. જેને પરિણામે જીવન જરૂરિયાત એવા શાકભાજીના ભાવ આસમાને જ રહેતા હતા. પરંતુ ચાલુ વર્ષે સારા વરસાદની સાથે સાથે નવરાત્રીથી જ ઠંડીની જમાવટને પગલે શાકભાજીની આવક બમણી થઇ ગઇ છે. જેને પરિણામે બજારમાં શાકભાજીની ધૂમ આવકને પગલે હાલમાં ભાવમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જોકે શાકભાજીના ભાવમાં ઘટાડાને પગલે ભોજનની થાળીમાંથી શાકની જગ્યાએ કઠોળ આવી ગયું હતું.

જે હાલમાં શાકભાજીએ સ્થાન જમાવી દીધું છે. ખેડૂત રિકીનભાઇ પટેલના જણાવ્યા મુજબ ચાલુ વર્ષે વરસાદ સારો થવાથી ગત વર્ષ કરતા હાલમાં શાકભાજીનો ઉતાર ડબલ થઇ ગયો છે. જેને પરિણામે હોલસેલ અને રિટેલ ભાવમાં ઘટાડો નોંધાયો છે. શાકભાજીના ભાવ ઘટતા ગરીબ અને મધ્યમ વર્ગ પણ બે ટાઇમ ભોજનમાં શાક બનાવી રહ્યા છે.

જિલ્લાના ખેડૂતોએ 2565 હેક્ટરમાં શાકભાજીનું વાવેતર કર્યું છે. જોકે ઠંડી પડતી હોવાથી આગામી સમયમાં શાકભાજીના વાવેતરમાં વધારો થવાની શક્યતા રહેલી છે. છેલ્લા ત્રણ દાયકાથી શાકભાજીનો રિટેલ વેચાણ કરતા વેપારી અશોકભાઇ પટ્ટણીએ જણાવ્યું છે કે ચારેક વર્ષ પહેલાં જે રીતે શાકભાજીની આવક હતી તેવી આવક હાલમાં છે.

આસપાસથી શાકભાજી આવે છે
જિલ્લામાં અમુક જ શાકભાજી થાય છે. પરંતુ આસપાસના જિલ્લા જેમ કે અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા અને અમદાવાદ જિલ્લાનું શાકભાજી ગાંધીનગરના માર્કેટમાં વેચાણ માટે ખેડુતો લઇને આવતા હોવાનું હોલેસેલ શાકભાજીના વેપારી શૈલેષભાઇએ જણાવ્યું છે.

ઉંધિયાનું વેચાણ શરૂ થયું
શિયાળાની જમાવટ થતાં જ જિલ્લાના ફરસાણ અને સ્વીટ માર્ટના વેપારીઓ દ્વારા દર રવિવારે ઉંધિયાનું વેચાણ કરી રહ્યા છે. જેને પરિણામે શાકભાજીની આવકને જોતા ચાલુ વર્ષે નગરવાસીઓને ઉંધિયાનો ભાવ નીચો રહેવાની શક્યતા રહેલી છે. જોકે ચાલુ વર્ષે શાકભાજીની આવક વધારે હોવાથી લગ્નસિઝનને પગલે શાકભાજીના માંગ વધતા છતાં ભાવમાં કોઇ જ વધારો થશે નહી તેમ વેપારીઓએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...