અકસ્માત:દહેગામ-ચિલોડા હાઈવે પર બાઈકની ટક્કરે આધેડનું મોત

ગાંધીનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન મોત અજાણ્યા બાઈક ચાલક સામે ગુનો નોંધાયો

દહેગામ-ચિલોડા હાઈવે પર મગોડી પાસે અકસ્માતમાં ઘાયલ આધેડનું સારવાર દરમિયાન મોત થયું છે. આ ઘટના અંગે મળતી વિગતો પ્રમાણે મગોડી ગામે રહેતાં આધેડ બુધાજી નેનાજી ઠાકોરને 30 એપ્રિલના રોજ અકસ્માત નડ્યો હતો. જેમાં તેઓ રાત્રે 8 વાગ્યે ગામના બળીયાદેવના મંદિર પાસે ચાલતા હતા ત્યારે દહેગામ-ચિલોડા હાઈવે પર એક બાઈક ચાલકે તેઓને ટક્કર મારી હતી.

અકસ્માત બાદ બાઈક ચાલક ભાગી ગયો હતો, અકસ્માતને પગલે તેઓના પુત્ર સહિત ગામના લોકો દોડી આવ્યા હતા. આધેડના કપાળના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને પગલે તેઓને 108 મારફતે ગાંધીનગર સિવિલ અને ત્યાંથી અમદાવાદ સિવિલ ખસેડાયા હતા. માથાના ભાગે ગંભીર રીતે ઘાયલ બુધાજી ભાનમાં જ આવ્યા ન હતા. ત્યારે ગુરૂવારે બપોરના સુમારે અમદાવાદ સિવિલમાં સારવાર દરમિયાન જ આધેડનું મોત થયું હતું.

આ બનાવ બાદ તેઓના પુત્ર અશોક બુધાજી ઠાકોરે અજાણ્યા બાઈક ચાલક સામે ચિલોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મુદ્દે ગુનો નોંધીને અકસ્માત કરીને ભાગી ગયેલા બાઈક ચાલકને શોધી કાઢવા માટે તપાસ શરૂ કરી છે.આ બનાવથી મૃતકના પરિવારજનોમાં ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે.

અન્ય સમાચારો પણ છે...