ગાંધીનગરના રાંદેસણની સ્વામિનારાયણ ધામ ઈંટરનેશનલ સ્કૂલના ગેટ નંબર - 8 સામેના રોડ ઉપર બાઈક સ્લીપ ખાઈ જતાં ગંભીર રીતે ઘાયલ આધેડનું સ્થળ ઉપર મોત નિપજતા ઈન્ફોસિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
ગાંધીનગરના રાંદેસણ ઉર્જા નગર - 1 સિધ્ધિ દાતા આલય સોસાયટીમાં રહેતા રેવતીબેન દેસાઈનાં પરિવારમાં 9 વર્ષીય મોટો પુત્ર રનજયભગત અને સાત વર્ષીય પુત્ર મહાજય આઝાદ છે. જેમના પતિ સિદ્ધાર્થ ગન્નામા રાજુ દેસાઇ બેંક ઓફ અમેરીકા કંપનીમા સીનીયર સોફ્ટવેર એંજીનીયર તરીકે છેલ્લા પંદર વર્ષથી નોકરી કરતાં હતાં. જેઓ ઘરે બેસીને નોકરીનું કામકાજ કરતાં હતાં.
ગઈકાલે શુક્રવારની રાત્રે રેવતીબેન ઘરે હાજર હતા. તે વખતે મધરાતે તેમના સાસુએ ફોન કરીને જાણ કરી હતી કે સિધ્ધાર્થના ફોન ઉપરથી કોઇ અજાણ્યા વ્યક્તિનો ફોન આવ્યો હતો. અને કહેવા લાગેલ કે આ મોબાઇલ નંબર વાળા ભાઇ બાઈક લઈને જતાં હતાં. તે વખતે સ્વામિનારાયણધામ ઇન્ટરનેશલ સ્કુલના ગેટ નં.- 8 પાસે રોડ ઉપર સિદ્ધાર્થએ પોતાનું બાઇક પૂરપાટ ઝડપે હંકારતા બાઈક સ્લીપ ખાઈ ગયું હતું. જેનાં કારણે તેમને શરીરે તેમજ કપાળના ભાગે ઈજાઓ થઈ હોવાથી સિવિલ હોસ્પિટલ આવવા માટે કહ્યું છે.
આ સાંભળીને રેવતીબેન તેમના પતિના મિત્રો સાથે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ દોડી ગયા હતા. જ્યાં ઉપરોક્ત સ્થળે અકસ્માત થવાથી ગંભીર રીતે ઈજાગ્રસ્ત સિદ્ધાર્થનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું. આ અંગે જાણ થતાં ઈન્ફોસિટી પોલીસ પણ સિવિલ પહોંચી ગઈ હતી. અને અકસ્માતે મોતનો ગુનો નોંધી મૃતકના પોસ્ટ મોર્ટમ સહિતની કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.