પ્રાથમિક શિક્ષકો ગ્રેડ પે સહિતની પડતર માગણીઓના ઉકેલ માટે સત્યાગ્રહ છાવણી ખાતે ધરણાં કરવા આવ્યા હતા, પરંતુ કલેક્ટરે મંજૂરી આપી ન હોવાથી પોલીસે તેમની અટકાયત કરી લેતાં ધરણાંનો કાર્યક્રમ યોજાયો નહીં. પોલીસે અલગ અલગ સ્થળોથી 50 જેટલા શિક્ષકોની અટકાયત કરી હતી. પ્રાથમિક શિક્ષકોને વર્ષોથી મળતો ગ્રેડ પે 4200ને એકાએક ઘટાડીને 2800 કરી દેવામાં આવ્યો હતો. ઉપરાંત ઓછા ગ્રેડ પેનો લાભ વર્ષ-2010 પછી ભરતી થયેલા શિક્ષકોને મળશે તેવા રાજ્યના શિક્ષણ વિભાગે આદેશ કરતાં શિક્ષકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી વિરોધ કાર્યક્રમ વેગવંતો બનાવ્યો હતો. ત્યાર બાદ શિક્ષક સંઘની નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ સાથે મીટિંગ થઈ હતી, જેમાં શિક્ષકોના પ્રશ્નોનો ઉકેલ આવ્યો છે.
શિક્ષણ-વિભાગનો તા.25 જૂન-2019નો પત્ર રદ કરવાનો નિર્ણય લેવાયો
નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલ અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પત્રકારોને જણાવ્યું હતું કે, મુખ્યમંત્રીએ રાજ્યના પ્રાથમિક શિક્ષકોના અગાઉ મળતા પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ શિક્ષણ વિભાગના તા.25.06.2019ના પત્રના કારણે બંધ થયેલ હોવાની રજૂઆતોને ધ્યાને લઇને મંગળવારે મુખ્યમંત્રીના અધ્યક્ષસ્થાને મળેલી બેઠકમાં ચર્ચાઓ હાથ ધરી હતી. જેમાં મુખ્યમંત્રીએ આપેલી સૂચનાઓ અનુસાર શિક્ષણ-વિભાગનો તા.25 જૂન-2019નો પત્ર રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
રાજ્યના 65 હજાર શિક્ષકોને 4200 ગ્રેડ પે મળશે
હવેથી રાજ્યભરના 65 હજાર જેટલા પ્રાથમિક શિક્ષકોને અગાઉની વ્યવસ્થા મુજબ જ પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે 4200 ગ્રેડ-પે મળતો રહેશે તેમ નીતિન પટેલે જણાવ્યું હતું. શિક્ષણ વિભાગે તા.25-06-2019ના પત્રથી પ્રાથમિક શિક્ષકોને પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે મળતો 4200 ગ્રેડ-પે ને બદલે 2800 ગ્રેડ-પે આપવાનો થયેલ પત્ર તા.16 જુલાઇ-2020થી સ્થગિત કરેલો હતો.મુખ્યમંત્રી વિજય રૂપાણીની અધ્યક્ષતામાં મંગળવારે મળેલી ઉચ્ચસ્તરીય બેઠકમાં પ્રાથમિક શિક્ષકોની લાંબાગાળાની રજૂઆતો પ્રત્યે વિચારણા કરીને આ પત્ર મૂળ અસરથી રદ કરવાની સૂચનાઓ મુખ્યમંત્રીએ આપી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, હવે આના પરિણામે પ્રાથમિક શિક્ષકોને 4200 ગ્રેડ-પે પ્રથમ ઉચ્ચત્તર પગાર ધોરણ તરીકે યથાવત રહેશે તેમજ સંબંધિત શિક્ષકોને તેમની મળવાપાત્ર તારીખથી તેનો લાભ આપવામાં આવશે.
4200 ગ્રેડ પે નો વિવાદ શું હતો?
રાજ્યના પ્રાથમિક શિક્ષકોને વર્ષ 1994થી નોકરીમાં 9 વર્ષ બાદ 4200 ગ્રેડ પે મળતો હતો. પરંતુ ગુજરાત સરકારે વર્ષ 2019માં એક પરિપત્ર કર્યો હતો કે હવે વર્ષ 2010 બાદ જે શિક્ષકોની ભરતી થઈ છે તેમને નોકરીના 9 વર્ષ બાદ પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ 2800 ગ્રેડ પે મળશે. સરકારે ગ્રેડ પે ઘડાડી દેતાં સમગ્ર રાજ્યના 65 હજારથી વધુ શિક્ષકોને અસર થશે એવું શિક્ષકોએ જણાવ્યું હતું. આ માટે શિક્ષણ સંઘ પણ વિવિધ રીતે આ પ્રશ્નોનું નિરાકરણ આવે તેના માટે બનતા તમામ પ્રયાસો કરી ચૂક્યું છે. આ મુદ્દે શિક્ષકોએ સોશિયલ મીડિયામાં પણ એક અભિયાન ચલાવ્યું છે.
Copyright © 2023-24 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.