આગોતરૂ આયોજન:ગાંધીનગર જિલ્લાના પ્રિમોન્સુન પ્લાન તૈયાર કરવા અધિકારીઓ સાથે જિલ્લા કલેકટરની બેઠક યોજાઇ

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં આવેલા કાંસની સફાઇની કામગીરી કરવા કલેક્ટરની તાકીદ

ગાંધીનગર જિલ્લાનો પ્રિમોન્સુન પ્લાન તૈયાર કરવા માટે આજરોજ જિલ્લા કલેકટર ર્ડા. કુલદીપ આર્યના અધ્યક્ષ સ્થાને જિલ્લાના અધિકારીઓની બેઠક યોજાઇ હતી. જેમાં કલેકટરે પ્રિમોન્સુન પ્લાન અન્વયે અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા.

જિલ્લા કલેકટરે પ્રિમોન્સુનની તૈયારીઓ માટે જિલ્લાના મામલતદારો, તાલુકા વિકાસ અધિકારી , નગરપાલિકાના ચીફ ઓફિસરોને ગ્રામ્ય અને નગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન અપડેટ કરવા, તરવૈયા અને રેસ્ક્યુ ટીમો તૈયાર કરવા, પૂરના કારણે સ્થળાંતર થયેલ હોય તેવા વિસ્તારો ચકાસી વૈકલ્પિક વ્યવસ્થા કરવા, નીચાણવાળા વિસ્તારોના ઝૂંપડાઓમાં વસતા નાગરિકોને ભારે વરસાદ કે પૂરની સ્થિતિમાં સમયસર ચેતવણી મળે અને સલામત સ્થળે ખસેડવા સુરક્ષિત સ્થળો ચકાસવા જી.ઇ.બી. પાણી પુરવઠા, સિંચાઇ અને એસ.ટી. વિભાગ સાથે સંપર્કમાં રહેવા તથા ટેલિફોન નંબરો અપડેટ કરવા જણાવ્યું હતું.

ઉપરાંત જિલ્લામાં આવેલી કાંસની સફાઇની કામગીરી ખાસ કરવા જણાવ્યું હતું. આ અંગે થયેલ કામગીરીની વિગત પણ સંબંધિત અધિકારી પાસે માંગી હતી. તેમજ કેનાલ-રસ્તાના બાંધકામના કારણે પાણીના કુદરતી વહેણમાં અવરોધ બનતા હોય તેવા અવરોધોનો તાત્કાલિક નિકાલ કરવા નદીના પટમાં શાકભાજી વાડને તાત્કાલિક અસરથી દુર કરાવવા, વરસાદી પાણીના નિકાલમાં નગર સેવા સદનના વિસ્તારોમાં ઝૂંપડપટ્ટી થઇ હોય અથવા કચરો ઠાલવીને અવરોધ ઉભો કરવામાં આવ્યો હોય તો તે દુર કરાવવા પણ સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

કલેક્ટરે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીને રોગચાળો ન ફેલાય તે માટે સ્વાસ્થ્ય સબંધિત તાકીદના પગલાં માટે મેડિકલ ટીમો સાથે દવાઓના પૂરતો જથ્થો ઉપલબ્ધ રાખવા જણાવ્યું હતું. જ્યારે યુ.જી.વી.સી.એલ.ના કા.પા.ઇ.ને વીજ પુરવઠો જાળવી રાખવા, વાવાઝોડાના કારણે પડી ગયેલ ઇલેકટ્રીક થાંભલા ઉભા કરવા તેમજ વીજ પૂરવઠો પૂર્વવત થાય તે માટે તમામ વ્યવસ્થાની તૈયારીઓ કરવા જણાવ્યું હતું.

નગરપાલિકાના ચીફ ઓફિસરોને જેસીબી મશીન, બુલડોઝર, પાણીના ટેન્કર તેમજ મજૂરો તૈયાર રાખવા, જાન-માલના કિસ્સામાં મૃતદેહો સંભળવા, સોંપવા તથા નિકાલ કરવાની તૈયારીઓ રાખવા જણાવ્યું હતું. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને આશ્રયસ્થાનો માટે ઉપયોગમાં લેવાની શાળાઓના મકાનની ચકાસણી કરવા અને શાળાઓમાં અન્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું આયોજન કરવા પણ કલેકટરે જણાવ્યું હતું. મદદનીશ આર.ટી.ઓને જરૂરી વાહનો સાથે ઇન્સ્પેકારોની ટીમ તૈયાર કરવા તેમજ જિલ્લાના કાયમી આશ્રય સ્થાનોની વિગત મેળવી તેના રૂટ તૈયાર કરવા જણાવ્યું. વાહન વ્યવહારના વિભાગીય નિયામકને સ્થળાંતર માટે જરૂરિયાત મુજબ એસટીઓ પૂરી પાડવા તથા બંધ અને શરૂ થતા રૂટ અંગેની માહિતી જનતાને સમયસર મળી રહે તે માટે કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવા જણાવ્યું હતું.

જિલ્લા પુરવઠા અધિકારીને જિલ્લામાં સ્થળાંતર થયેલ અસરગ્રસ્તોને આશ્રય સ્થાનો, ઉપર ફુડ પેકેટ મળી રહે તે માટેની વ્યવસ્થા સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલનથી ગોઠવવા પ્લાન તૈયાર કરવા જણાવ્યું. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમ, નિવાસી અધિક કલેકટર રીતુ સિંગ, નાયબ જિલ્લા પોલીસ વડા એમ.જે. સોલંકી, તાલુકા વિકાસ અધિકારીઓ, ચીફ ઓફીસર, નગર પાલિકા સહિત તમામ જિલ્લા અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...