અપક્ષ ઉમેદવાર:પેથાપુરમાં રાજપૂત સમાજના આગેવાનોની બેઠક, ગામનો અપક્ષ ઉમેદવાર જાહેર કર્યો

ગાંધીનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જિલ્લામાં ભાજપ રાજપૂત સમાજની અવગણના કરશે તો અપક્ષ ઉમેદવારી નોંધાવશે
  • ગાંધીનગરની 5 બેઠકોમાં 1.20 લાખ મતદારોની સામે હજુ ભાજપે એક પણ ટિકિટ આપી નથી

ગાંધીનગરની પાંચ બેઠકમાં હજુ ભાજપે માત્ર એક ઉમેદવાર જાહેર કર્યો છે. જ્યારે બાકીની ચાર બેઠક ઉપર હજુ ફાઇનલ ઉમેદવારના નામ આવ્યા નથી. રાજપૂત સમાજના એક પણ નેતાને ટીકીટ આપવામાં આવે તેવી શક્યતા પણ જોવા મળતી નથી. જેને લઇને રાજપૂત સમાજ દ્વારા બેઠક બોલાવવામાં આવી હતી અને ગામના આગેવાનને અપક્ષ ઉમેદવાર જાહેર કર્યા હતા.

જિલ્લામા ભાજપને ઉમેદવાર જાહેર કરવામાં મુસીબતો આવી રહી છે. માત્ર દહેગામ બેઠક ઉપર બલરાજસિંહ ચૌહાણને રીપીટ કરાયા છે. તે ઉપરાંત ગાંધીનગર ઉત્તર બેઠકમાં પૂર્વ મેયર રીટા પટેલનુ નામ નિશ્ચિત માનવામાં આવી રહ્યુ છે, જ્યારે દક્ષિણમા અલ્પેશ ઠાકોરની ટીકીટ ફાઇનલ હોવાની વાતો આવી રહી છે. પરિણામે રાજપૂત સમાજના આગેવાનોમાં આ બાબતે રોષ જોવા મળી રહ્યો છે. બાકી રહેલી કલોલ, ગાંધીનગર દક્ષિણ અને માણસા બેઠકમાં પણ રાજપૂત સમાજના આગેવાનોને ટીકીટ મળે તેવી શક્યતા જોવા મળતી નથી.

રાજપૂત સમાજ દ્વારા શનિવારે બપોરના સમયે સેક્ટર 12 રાજપૂત ભવનમાં એક બેઠક બોલાવી હતી. જેમાં પેથાપુર ગામના આગેવાન અમરસિંહ ચૌહાણનુ નામ સર્વાનુમતે અપક્ષ તરીકે ઉત્તર બેઠકના ઉમેદવાર તરીકે જાહેર કરાયુ છે. રાજપૂત સમાજના આગેવાનોએ કહ્યુ હતુ કે, જિલ્લામાં રાજપૂત સમાજના 1.20 લાખ મતદાર છે. જેમા દહેગામ 18 હજાર, ગાંધીનગર દક્ષિણ 18 હજાર, ગાંધીનગર ઉત્તર 30 હજાર, માણસા 40 હજાર અને કલોલ 24 હજાર રાજપૂત સમાજના મતદાર છે. છતા ટીકીટ નહિ આપતા ગામનો ઉમેદવાર જાહેર કરાયો છે.

ભાજપના મહામંત્રીના ગામમાં ગાબડું પડવાની શક્યતા
મહાનગર ભાજપ સંગઠનમાં ધર્મેન્દ્રસિંહ વાઘેલા મહામંત્રી તરીકે કાર્યરત છે. જો ભાજપ રાજપૂત સમાજને ટીકીટ નહિ આપે તો મહામંત્રીના ગામમાં જ ભાજપને નુકશાન થશે તેવી ચિમકી સ્થાનિકો આપી રહ્યા છે. રાજ્યમા ભાજપને વરેલો કહેવાય તેવા પ્રજાપતિ સમાજને એક પણ ટીકીટ આપી નથી. જેથી પ્રજાપતિ સમાજના યુવાનોમાં ભારોભાર રોષ છે.

અન્ય સમાચારો પણ છે...