નશાનો વેપલો કરનાર ઝડપાયો:ગાંધીનગરના ચરેડી રેલવે ફાટક પાસે વર્ષોથી તાડીનું વેચાણ કરતા શખસને આખરે પોલીસે દબોચી લીધો

ગાંધીનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • થોડા વર્ષો અગાઉ તાડી પીવાના કારણે જુના સેક્ટરમાં બે લોકોએ જીવ ગુમાવ્યાની પણ બૂમરાણ ઉઠી હતી

બોટાદમાં લઠ્ઠાકાંડ સર્જાતા રાજય સહિત પાટનગર ગાંધીનગર પોલીસ દ્વારા દેશી દારૂના અડ્ડાઓ પર તવાઈ બોલાવી દેવામાં આવી છે. ત્યારે દેશી દારૂની સાથે ગાંધીનગરમાં તાડી પણ વેચાતી હોવાનું સામે આવ્યું છે. જેને લઈ પોલીસે ચરેડી રેલવે ફાટક પાસે વર્ષોથી તાડીનું વેચાણ કરીને યુવાધનને નશા બંધાણી બનાવી દેનાર માનાભાઇ ઉર્ફે મણીલાલ લક્ષ્મણભાઇ ચમારને દબોચી લીધો હતો. પોલીસે હાલ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
લઠ્ઠાકાંડ બાદ પોલીસ સક્રિય
બોટાદનાં બરવાળામાં કેમિકલ યુક્ત દારૂ પીવાથી લઠ્ઠાકાંડ સર્જાતા સમગ્ર રાજયમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આ લઠ્ઠાકાંડની ઘટનાના પગલે રાજય પોલીસ તંત્ર દ્વારા દેશી દારૂના અડ્ડાઓ ઉપર છાપા મારીને બુટલેગરો સામે કડકાઈથી કાર્યવાહી કરાઈ રહી છે. ત્યારે ગાંધીનગર જિલ્લા પોલીસ પણ દેશી દારૂની હાટડીઓ પર ત્રાટકીને બુટલેગરો પર ધોંસ બોલાવી દેવા સક્રિય થઈ છે. દેશી દારૂના વેચાણની સાથે નશા યુક્ત તાડીનું પણ ચરેડી રેલવે ફાટક પર છૂટથી વેચાણ થતું હોવાનું પ્રકાશમાં આવ્યું છે.
ચરેડી રેલવે ફાટક પર છૂટથી વેચાણ થતું હતું
ગાંધીનગરમાં ચરેડી રેલવે ફાટક પાસે છેલ્લાં ઘણાં વર્ષોથી પ્રતિબંધિત તાડીનું વેચાણ કરવામાં આવી રહ્યું હતું. રેલવે ફાટક નજીક લારી પાસે જઈને ઉભા રહો એટલે ગણતરીની મિનિટોમાં તાડીની ડીલીવરી થઈ જતી હતી. દેશી વિદેશી દારૂ કરતા પણ ખતરનાક નશો કરવા માટે યુવાધનમાં ક્રેઝ વધી ગયો હતો. ત્યારે ભૂતકાળમાં આ તાડી પીવાથી જુના સેકટરમાં બે યુવાનોએ જીવ ગુમાવ્યા હોવાની પણ બુમરાણ ઉઠી હતી.
​​​​​​​​​​​​​​યુવાધનને તાડીના રવાડે ચઢાવનારની ધરપકડ
ગાંધીનગરમાં યુવાધનને તાડીના રવાડે ચઢાવનાર બુટલેગર માનાભાઇ ઉર્ફે મણીલાલ લક્ષ્મણભાઇ ચમાર(ચરેડી છાપરા) ને અગાઉ પણ પોલીસે રંગેહાથ ઝડપી પાડયો હતો. પરંતુ મણિલાલે તાડી વેચવાની પ્રવૃતિ ચાલુ કરી દીધી હતી . જેની જાણ સેક્ટર - 21 પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ મહાવીરસિંહ કુબેરસિંહને થતાં ચરેડી છાપરામાં રેડ કરવામાં આવી હતી અને માના ઉર્ફે મણિલાલના ઘરની બાજુમાં છાપરામાં તથા છાપરાની આજુબાજુ તપાસ કરતા છાપરાના ખૂણામાંથી પાંચ લીટરનો કેરબો ભરીને તાડી મળી આવી હતી. જેનાં પગલે બુટલેગર મણિલાલની ધરપકડ કરી તાડીનો સ્થળ પર નિકાલ કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...