ગાંધીનગર પોલીસે એક જ દિવસમાં બે સ્થળે બાતમીના આધારે દરોડા પાડીને દારૂનો વેપલો કરનારાં તત્ત્વોને ઝડપી લીધાં હતાં. એસપી કચેરી પાસે આવેલા સેક્ટર-27ની આનંદનગર સોસાયટીમાંથી સેક્ટર 21 પોલીસના ડી સ્ટાફે વિદેશી દારૂ પકડ્યો હતો. બુટલેગરે મકાન ભાડે લઈને દારૂનો વેપાર શરૂ કર્યો હતો જ્યારે કુડાસણમાં આવેલી બૅન્ક ઓફ ઇન્ડિયા પાસેથી 2 બોટલ સાથે ખેપિયાને ઝડપી લીધો હતો.
પોલીસે આનંદનગર સોસાયટીના મકાન નંબર 88માં રેડ પાડી જગદીશસિંહ પોપટસિંહ બારડ (રહે. હાલ, અમરત પટેલના મકાનમાં. મૂળ ગલથરા, માણસા)ને પકડી લીધો હતો. મકાનના બીજા રૂમમાંથી એક થેલામાં વિદેશી દારૂની રૂ. 6517ની 19 બોટલ મળી આવી હતી. પોલીસે બુટલેગરની ધરપકડ કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી કરી હતી.
બીજી તરફ ઇન્ફોસિટી પોલીસે કુડાસણ ગામના પાટિયા પાસે બૅન્ક ઓફ ઇન્ડિયાની નજીકમાં એક ખેપિયો દારૂ લઈને આવી રહ્યો હોવાની માહિતી મળતાં પોલીસે વૉચ ગોઠવી હતી. ખેપિયો રમેશ રામબહાદુર ચૌહાણ (રહે. સેક્ટર 24, મૂળ રહે. બખતપુર, યુપી)ને પકડ્યો હતો. તેની પાસેથી એક થેલામાંથી વિદેશી દારૂની રૂ. 750ની 2 બોટલ મળી આવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.