ગાંધીનગરના ધોળેશ્વર મહાદેવ મંદિર પાસેથી હાથ બનાવટની દેશી બંદૂક સાથે એક શખ્સને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમે પૂર્વ બાતમીના આધારે ઝડપી લીધો હતો. પોલીસે હાલ કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.. આ શખ્સ છેલ્લાં ઘણાં દિવસોથી અત્રેના વિસ્તારમાં બંદૂક લઈને ફરી રહ્યો હતો.
ગાંધીનગરનાં ધોળેશ્વર વિસ્તારમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ખાનગી વાહનમાં પેટ્રોલીંગ કરી રહી હતી. ત્યારે બાતમી મળી હતી કે, ધોળેશ્વર મહાદેવ મંદિર નજીક નદી વિસ્તારમાં એક શખ્સ બંદૂક સાથે ફરી રહ્યો છે. જેનાં પગલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ તુરંત ધોળેશ્વર મહાદેવ મંદિર પાસે પહોંચી હતી અને દેશી બનાવટની બંદૂક સાથે એક ઈસમને ઝડપી પાડયો હતો.
જેની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ અલ્તાફ ગુલાબ વિરાભાઈ ડફેર (રહે. વડાવી , કડી, મહેસાણા) હોવાનું જણાવ્યું હતું. જેની પાસેથી હાથ બનાવટની દેશી બંદૂક જોતાં તે ચાર ફૂટ લાંબી હતી. જે લાકડાના હાથા વાળી અને લોખંડની બેરલ ફીટ કરેલી હતી. તેમજ નીચે પતરાનું ટ્રીગર પણ ફીટ કર્યું હતું.
ઉપરાંત બંદૂકના ઉપરના ભાગે લોખંડનો ઘોડો બનાવ્યો હતો. બેરલના આગળના ભાગે નિશાન તાકવા માટેનો પોઈન્ટ તેમજ લોખંડની બેરલ લગાવેલી હતી. એક જગ્યાએ તાર ફીટ કરીને હાથથી ચાર ફૂટની બંદૂક તૈયાર કરવામાં આવી હતી. જે અંગે અલ્તાફ પાસે પરવાનો માંગવામાં આવતા તેણે સંતોષજનક આપ્યો ન હતો. આથી એસઓજીની ટીમે બે હજારની બંદૂક જપ્ત કરીને શખ્સની ધરપકડ કરી ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.