કૃષિ મંત્રી રાઘવજી પટેલે વિધાનસભા ગૃહને જણાવ્યું હતું કે, પ્રાકૃતિક કૃષિ અપનાવતા ખેડૂતોના પાકને બજાર મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર આગામી સમયમાં પ્રાકૃતિક કૃષિ મોલ ઊભા કરવા જઈ રહી છે. છેલ્લા એક વર્ષમાં ગાય આધારિત ખેતી માટે ખેડૂતોને ગાય નિભાવણી માટે મહિને રૂ.900 અને વાર્ષિક રૂ.10,800ની સહાય આપવામાં આવે છે.
સરકાર પાસેથી પ્રાકૃતિક કૃષિને લગતા વિવિધ પ્રશ્નોની માહિતી માગવામાં આવી હતી. આ માહિતીમાં સામાન્ય કૃષિ ઉત્પાદન માટે જે રીતે માર્કેટિંગ યાર્ડ છે તે રીતે પ્રાકૃતિક પાક માટે માર્કેટિંગની અલગ વ્યવસ્થા કરવામાં આવે તો ખરીદનારને વધુ સરળ રહેશે તેવી માગ ધારાસભ્યોએ રજૂ કરી હતી.
કૃષિ મંત્રીએ કહ્યું હતું કે, પ્રાકૃતિક પાક માટે માર્કેટિંગની અલગ વ્યવસ્થા કરવામાં આવી રહીં છે. આ માટે 84 એફપીઓ એટલે કે ફુડ પ્રોસેસિંગ ઓર્ગેનાઇઝેશન સ્થાપવામાં આવ્યા છે,જેમાં ખેડૂત પોતે જ તેના પાકનું વેચાણ કરે છે. ગુજરાત સરકાર પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવા માટે પોતાના બજેટમાં વિશેષ જોગવાઈ કરે છે.
4.35 લાખ ખેડૂતો વધ્યા પણ મોટા ખેડૂતોની સંખ્યા ઘટી
દાણીલીમડાના ધારાસભ્ય શૈલેષ પરમારે પુછેલા પ્રશ્નના જવાબમાં કૃષિમંત્રીએ જણાવ્યું કે, વર્ષ 2015-16ની ખેતી વિષયક ગણના મુજબ રાજ્યમાં કુલ 53.20 લાખ ખેડૂત ખાતેદારો છે. 2010-2011ની સરખામણીએ એગ્રી સેન્સસ 2015-16માં કુલ ખેડૂત ખાતેદારની કુલ સંખ્યામાં 4.35 લાખનો વધારો થયો છે. પરંતુ મોટા ખેડૂતોની સંખ્યામાં 8,883 જ્યારે મધ્યમ ખેડૂતોની સંખ્યામાં 16,782નો ઘટાડો થયો છે. આ સિવાય સીમાંત ખેડૂતો 2.03 લાખ, નાના ખેડૂતો 1.86 લાખ જ્યારે અર્ધ મધ્યમ 70,721નો વધારો થયો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.