દહેગામ-નરોડા હાઇવે પર બાઇક સ્લીપ ખાઈ જતાં દહેગામમાં કરિયાણાની દુકાન ચલાવતા વેપારીનું ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે કરૂણ મોત નીપજ્યું છે. આ અંગે ડભોડા પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે. અમદાવાદના નાના ચીલોડા ખાતે રહેતા અનિલભાઈ ભગવાનદાસ વીસનાની દહેગામ ખાતે શ્રીરામ કીરાણા સ્ટોર નામની દુકાન ધરાવી કરીયાણાનો વેપાર કરે છે. જ્યારે તેમના નાનાભાઈ કિશોરભાઈ પણ દહેગામના રબારીવાસ પાસે સુરેશ કીરાણા સ્ટોર ચલાવતાં હતાં. અનિલભાઈ નિયમિત સવારે દુકાને આવીને રાતે ઘરે જતા હોય છે. ગઈકાલે પણ રાબેતા મુજબ અનિલભાઈ રાત્રીના દુકાન બંધ કરીને તેમના પુત્ર બંટી અને ગુલાબચંદને લઈને કારમાં પરત ઘરે જવા નિકળ્યા હતા. ત્યારે વડોદરા પાટીયા પાસે આવતાં એકસીડન્ટ થયું હોવાથી ઘણાં માણસો એકઠા થઈ ગયા હતા. આથી ગાડી ઉભી રાખીને અનિલભાઈ અકસ્માત સ્થળે ગયા હતા. જ્યાં તેમના સગા નાનાભાઈ કિશોરનો જ અકસ્માત થયો હોવાનું માલુમ પડયું હતું.
ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી
જેને ગંભીર ઈજાઓ થવાથી બોલી પણ શકતા ન હતા. ત્યારે ત્યાં હાજર લોકોએ બાઈક સ્લીપ ખાઈ જવાથી કિશોરભાઈને ઈજાઓ થઈ હોવાની હકીકત જણાવી હતી. બાદમાં 108 એમ્બ્યુલન્સ મારફતે 42 વર્ષીય કિશોરભાઈને જી સી એસ હોસ્પિટલ સારવાર અર્થે લઈ જવાયા હતા. જો કે, ફરજ પરના તબીબે તપાસીને કિશોરભાઈને મૃત જાહેર કર્યા હતા. આ અંગે ડભોડા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.