ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ભાગરુપે ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસ (DPE) 9 થી 12 મી જૂન, 2022 દરમિયાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરી રહ્યું છે. જેમાં મુખ્ય કાર્યક્રમોમાં 'રાષ્ટ્ર નિર્માણ અને CPSEs' પરનું ભવ્ય પ્રદર્શન છે. આ પ્રદર્શન આત્મનિર્ભર રાષ્ટ્ર તરફ CPSEsના યોગદાનને પ્રદર્શિત કરશે. આ પ્રદર્શનનું ઉદ્ઘાટન કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આવતીકાલે 9મી જૂનના રોજ કરશે. ત્યારબાદ 10 થી 12 જૂન સુધી આ પ્રદર્શનને જાહેર જનતા માટે ખુલ્લું મૂકવામાં આવશે.
નાણા મંત્રાલયનાં ડિપાર્ટમેન્ટ ઓફ પબ્લિક એન્ટરપ્રાઇઝિસના સંયુક્ત સચિવ સંજય કુમાર જૈને માહિતી આપી હતી કે, નાણાં મંત્રાલયનાં 6 થી 12 જૂન સુધીનાં આઇકોનીક સપ્તાહની ઉજવણીના ભાગરુપે યોજાઈ રહેલા આ પ્રદર્શનની સાથે 'આત્મનિર્ભર ભારત માટે CPSEsની ભૂમિકા' પર ચર્ચા કરવા માટે CEO-ગોળમેજીનું આયોજન કરવામાં આવશે. 30 થી વધુ CPSE ના CMD 09મી જૂનના રોજ યોજાનારા કાર્યક્રમમાં હાજરી આપે તેવી અપેક્ષા છે.
મહત્વાકાંક્ષી જિલ્લાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને CSR જેવા મુદ્દાઓ પર શ્રેણીબદ્ધ વર્કશોપ, CPSEsની વાર્ષિક મૂલ્યાંકન પ્રણાલી, સૂક્ષ્મ અને નાના સાહસો (MSEs) પાસેથી પ્રાપ્તિ, સરકારી ઇ-માર્કેટપ્લેસ (GeM) પર ચર્ચા વગેરે આયોજિત કરવામાં આવી રહ્યાં છે. વર્કશોપનો ઉદ્દેશ્ય તમામ હિતધારકોને એક મંચ પર એકસાથે લાવવાનો અને ભવિષ્યની કાર્યવાહીમાં અનુભવની વહેંચણી અને વ્યૂહરચના બનાવવાનો છે.
આ પ્રસંગે ઉપસ્થિત AKAM સમિતિનાં અધ્યક્ષ અને ઇન્ડિયન રેલવે ફાઇનાન્સ કોર્પોરેશનનાં મેનેજીંગ ડીરેક્ટર અમિતાભ બેનર્જીએ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આયોજીત થઈ રહેલાં પ્રદર્શન અને વિભિન્ન કાર્યક્રમોમાં ભાગ લઇ સ્વતંત્રતાના 75 વર્ષની ઉજવણીના ՙજન ઉત્સવՙ માં સામેલ થવા સૌને અનુરોધ કર્યો હતો. કાર્યક્રમો વિશે વધુ જાણકારી આપતાં બેનર્જીએ જણાવ્યું હતું કે, AKAM સપ્તાહ દરમિયાન, CPSEs પાન ઈન્ડિયા ‘પ્લાન્ટેશન ડ્રાઈવ’ હાથ ધરાશે. જેમાં તેમની ઓફિસ, ટાઉનશીપ, ઉત્પાદન એકમો વગેરેમાં 75,000 રોપાઓ વાવવામાં આવશે. આ ઉપરાંત પસંદગીના CPSE ઇકો-ફ્રેન્ડલી રહેઠાણ અને કાર્યક્ષમ પાણી વ્યવસ્થાપન માટે તેમની ટાઉનશીપને મિની સ્માર્ટ સિટીમાં રૂપાંતરિત કરવા સંબંધિત પ્રવૃત્તિઓનું ઉદ્ઘાટન/પ્રારંભ કરાશે. રાષ્ટ્ર નિર્માણમાં CPSE ના યોગદાન પર એક ટૂંકી ફિલ્મ પણ સપ્તાહ દરમિયાન 12 ભાષાઓમાં રિલીઝ કરવામાં આવશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.