અપહરણ:ગાંધીનગરના દહેગામથી ધો.9ની વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી ગામનો યુવક ભગાડી ગયો

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પરિવારની ગાઢ નિંદ્રાનો લાભ ઉઠાવી ગામનો યુવક અપહરણ કરીને ભાગી ગયો

ગાંધીનગરની માઉન્ટ કાર્મેલ સ્કૂલની સગીરા પ્રેમી સાથે લગ્ન કરવા છેક બિહાર સુધી પહોંચી ગઈ હોવાની ઘટના હજી તાજી જ છે. ત્યારે દહેગામ તાલુકાની એક સ્કૂલમાં ધોરણ - 9 માં અભ્યાસ કરતી સગીરાને પણ પ્રેમજાળમાં ફસાવી ગામનો યુવક અપહરણ કરીને લઈ ગયો હોવાની ફરિયાદ દહેગામ પોલીસ મથકમાં દાખલ થઇ છે.

છોકરીઓને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કરવાના કિસ્સા વધ્યા
ગાંધીનગરમાં સગીર છોકરીઓને પ્રેમજાળમાં ફસાવી અપહરણ કરીને લઈને જવાની છાશવારે ફરિયાદ દાખલ થઇ રહી છે.ગાંધીનગરની માઉન્ટ કાર્મેલ સ્કૂલમાં ધોરણ - 9 માં અભ્યાસ કરતી સગીરાને સોશિયલ મીડિયાનાં માધ્યમથી દિલ્હીના યુવકે પ્રેમ જાળમાં ફસાવી હતી. જેનાં પગલે ગત તા. 18 મી જુલાઈના રોજ સગીરા પ્રેમીને મળવા માટે સ્કૂલેથી ભાગી જઈને છેક બિહાર સુધી પહોંચી ગઈ હતી. જો કે પોલીસે દિલ્હીમાં મજૂરી કામ કરતાં યુવકની ધરપકડ કરી સગીરાને તેની ચુંગાલમાંથી છોડાવી દીધી છે.

ધોરણ - 9 માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરાનું અપહરણ
દહેગામનાં એક ગામની સ્કૂલમાં ધોરણ - 9 માં અભ્યાસ કરતી 16 વર્ષની સગીરાને પણ પ્રેમ જાળમાં ફસાવી ગામનો યુવક અપહરણ કરીને નાસી ગયો હોવાની વધુ એક ઘટના પ્રકાશમાં આવી છે. દહેગામના એક ગામમાં પરિવાર સાથે રહેતી સગીરા ગઈકાલે તેની બહેન સાથે પોતાના ઘરે રૂમમાં સૂઇ ગઈ હતી. જ્યારે તેના માતા પિતા બહાર સૂઇ ગયા હતા.

ગામમાં રહેતો યુવક પણ ઘરેથી ગાયબ થયો
આજે સવારે પરિવારના સભ્યો ઉઠયા ત્યારે સગીરા ઘરમાં જોવા મળી ન હતી. જેથી આસપાસના વિસ્તારમાં શોધખોળ કરવામાં આવી હતી. પણ ક્યાંય તેનો પત્તો લાગ્યો ન હતો. આથી સગીરાના પિતાએ ગામમાં રહેતા યુવકના ઘરે પણ તપાસ કરી હતી. જો કે યુવક પણ ઘરેથી ગાયબ હોવાની જાણ થતાં સગીરાના પિતાએ પોલીસના દ્વાર ખટખટાવી યુવક વિરુદ્ધ અપહરણની ફરિયાદ આપી છે.

સગીરાને પ્રેમ જાળમાં ફસાવી અપહરણ કર્યું
આ અંગે દહેગામ પોલીસે જણાવ્યું હતું કે, યુવક વિરુદ્ધ આઈપીસીની કલમ 363,366 હેઠળ ગુનો દાખલ કર્યો છે. યુવકે સગીરાને પ્રેમ જાળમાં ફસાવી તેનું અપહરણ કર્યું હોવાની પ્રાથમિક વિગતો સાંપડી છે. જેનાં પગલે યુવકના પરિવારજનોની પણ પૂછતાંછ હાથ ધરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...