કપડાંની ઓનલાઇન ખરીદી મોંઘી પડી:ગાંધીનગરની યુવતીએ પાર્સલને ટ્રેક કરવા કુરિયરની લિંક પર ક્લિક કર્યું, ગણતરીના કલાકોમાં 1.80 લાખ એકાઉન્ટમાંથી ઉપડી ગયા

ગાંધીનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

ગાંધીનગર ભાઈજીપુરા પાસે સાર્થક સર્જક સોસાયટીમાં રહેતી અને હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવનાર યુવતીએ ઓનલાઈન ઓર્ડર આપેલા પાર્સલને ટ્રેક કરવા માટે કુરિયર કંપનીની લિંક ઉપર ક્લીક કરતાંની સાથે બેંક એકાઉન્ટમાંથી તબક્કાવાર રૂ. 1.80 લાખ ઉપડી ગયા હતા. જેથી છેતરપીંડી આચરવામાં આવતાં ઈન્ફોસિટી પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગાંધીનગરમાં રહેતી નર્સે ઓનલાઇન કપડાંની ખરીદી કર્યા પછી કુરિયર ટ્રેક કરવા માટે આવેલી લિંક ઉપર ક્લીક કરતાંની સાથે જ તબક્કાવાર પોણા બે લાખ ડીબેટ થઈ જતાં ઈન્ફોસિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. ભાઇજીપુરા પાટીયા પાસે સાર્થક સર્જક ફ્લેટમાં રહેતાં પાયલબેન યુએન મહેતા હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે.

ગત તા. 20 મી નવેમ્બરનાં રોજ પાયલબેને તેમના દીકરા માટે ઓનલાઇન એપ્લિકેશન ઉપરથી કપડાંની ખરીદી કરી હતી. જો કે તા. 29 મી સુધી કપડાંની ડીલીવરી મળી ન હતી. જેથી પાયલબેને એપ્લિકેશન પરથી એક મોબાઈલ નંબર ઉપર સંપર્ક કર્યો હતો. જેથી સામેથી પોતે કુરીયર કંપનીમાંથી ડીલીવરી બોય તરીકેની ઓળખાણ આપી કપડાંની ડીલીવરી વતનનાં એડ્રેસ પર ગઈ હોવાનું જણાવ્યું હતું.

ત્યારે પાયલબેને હાલના એડ્રેસ પર ડીલીવરી મેળવવાનું કહેતા સામેથી એક લિંક મોકલી આપી પાર્સલ ટ્રેક કરવાની સલાહ આપવામાં આવી હતી. જેથી પાયલબેને મોબાઈલમાં આવેલી લિંક ઓપન કરી હતી. પરંતુ કોઈ કાર્યવાહી થઈ ન હતી. જો કે તા. 1/12/2022 ના રોજ પાયલબેનને મોબાઇલ થી મેસેજ મળ્યા હતા કે, તેમના બેંક એકાઉન્ટમાંથી તબક્કાવાર રૂ. 1.80 લાખ ઉપડી ગયા છે.

આ અંગે પાયલબેને જાણ કરતાં જ તેમના પતિને અંદાજ આવી ગયો હતો કે ગઠિયો પાર્સલ ટ્રેક કરાવવાના બહાને કળા કરી ગયો છે. આમ જાણીતી ઓનલાઇન એપ્લિકેશન પરથી મેળવેલા નંબર પરથી પણ છેતરપિંડી આચરવામાં આવતી હોવાનું બ્રહ્મ જ્ઞાન થતાં પાયલબેનનાં પતિએ ફરિયાદ આપતા ઈન્ફોસિટી પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...