ભેદ ઉકેલાયો:દહેગામ અને નરોડામાં લોખંડના ફર્મા ચોરીના ગુનાને બે સગીર સહિત પાંચ શખ્સોની ગેંગે અંજામ આપ્યો હતો, 3.08 લાખનો મુદામાલ જપ્ત

ગાંધીનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીર વયના બાળકોને સાથે રાખીને રાત્રિ દરમિયાન ચોરીને અંજામ આપવામાં આવતો હતો, ફર્મા વેચીને 20-20 હજાર બધાને ભાગે આવ્યા

દહેગામ અને નરોડા પોલીસ મથકની હદમાં લોખંડના ફર્મા ચોરીના ગુન્હાને અંજામ આપનાર પાંચ ઈસમોની ગેંગનો પર્દાફાશ કરી લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા તપાસ હાથ ધરવામાં આવતાં ફર્મા ચોરીનાં ગુન્હામાં બે સગીર બાળકોની પણ સંડોવણી બહાર આવી છે. જેનાં પગલે એક આરોપીની ધરપકડ કરી લઈ 50 હજાર રોકડા, મોબાઈલ ફોન તેમજ પીકઅપ ડાલું મળીને કુલ રૂ. 3.08 લાખનો મુદામાલ જપ્ત કરી વધુ તપાસ શરૂ કરવામાં આવી છે.

દહેગામ અંડરબ્રીજની બહાર વોચ ગોઠવવામાં આવી હતી
ગાંધીનગર જિલ્લામાં થોડા વખતથી લોખંડના ફર્મા ચોરીની ઘટનાઓ પ્રકાશમાં આવતાં એલસીબી પીઆઈ એચ પી ઝાલાની ટીમને દહેગામ નહેરૂનગર ચોકડી વિસ્તારમાં પેટ્રોલીંગ દરમ્યાન બાતમી મળી હતી કે, છ એક દીવસ પહેલા દહેગામ ખાતે ઝાંક જી.આઇ.ડી.સી.માં ફર્મા ચોરી કરનાર ઈસમો પીકઅપ ડાલામાં દહેગામથી ચિલોડા તરફ જવાના છે. આથી દહેગામ અંડરબ્રીજની બહાર વોચમાં રહી પીક અપ ડાલુ રોકી દીધું હતું.

આરોપીઓની અંગ ઝડતી લેતા 50 હજાર રોકડા મળ્યા
આ ડાલમાં એક ઇસમ મેવાનાથ શિવનાથ યોગી(હાલ રહે, નાના ચિલોડા, મુળ, જાલરીયા રાજસ્થાન) તથા અન્ય બે કાયદાના સંધર્ષમાં આવેલ કિશોર હોવાનું માલુમ પડયું હતું. ઉપરોકત ઇસમ તથા કાયદાના સંધર્ષમાં આવેલ કિશોરની અંગ જડતી કરતા મોબાઇલ ફોન નંગ-3 કિ.રૂ. 7500, રોકડ રૂ. 50,620 મળી આવ્યા હતા.

રાત્રીના સમયે નાના ચિલોડા ખાતે ભેગા થઈ ચોરીને અંજામ આપ્યો
પૂછતાછ કરતાં મેવાનાથ યોગીએ કબૂલાત કરેલી કે, પોતે તથા બંને કિશોરો તેમજ બીજા નહી પકડાયેલ ઇસમો પૈકી નિતીન ઉર્ફે પુરણ યોગી તથા ઉદાનાથ ધર્મનાથ યોગીની ગેંગે આજથી આશરે છ એક દીવસ પહેલા રાત્રીના સમયે નાના ચિલોડા ખાતે ભેગા થયેલા અને ચોરી કરવાનુ નક્કી કરી ઉપરોકત પીકઅપ ડાલુ તથા એક મોટર સાયકલ લઇ ઝાંક જી.આઇ.ડી.સી ગયા હતા.

ફર્મા વેચીને 20 - 20 હજાર બધાને ભાગે આવ્યા
જયાં બંધ દુકાનોની સામે પડેલા લોખંડના ફર્મા ડાલામાં ભરી ચોરી કરી લીધા હતા. જે ફર્મા બન્નાનાથ સોહનનાથ યોગી (રહે,સુગન ચોકડી પાસે,નિકોલ) ને વેચી મારતા 20 હજાર બધાના ભાગે આવ્યા હતા. આ સિવાય નરોડા પોલીસ મથકની હદમાં પણ ફર્માની ચોરી કર્યાની વધુમાં કબૂલાત કરતાં મેવાનાથ યોગીની ધરપકડ કરી લેવાઈ હતી.

અન્ય સમાચારો પણ છે...