ગાંધીનગર કલોલ શહેર પોલીસ દ્વારા પૂર્વ બાતમીના આધારે કે.આઈ.આર.સી રોડ પર આવેલા શિવાલય ટેનામેન્ટની સામે હીંગળાજ ફાર્મ હાઉસમાં દરોડો પાડીને ઓરડીમાં સંતાડેલ 2.74 લાખની કિંમતની મોંઘાદાટ વિદેશી દારૂની 89 બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે. જ્યારે એક ઈસમ નાસી ગયો હતો. નોંધનીય છે કે મોંઘીદાટ અમુક વિદેશી દારૂની બોટલો પર કિંમત લખેલ ન હોઈ પોલીસે ઓનલાઈન ભાવ મંગાવતા બોટલોની કિંમત જોઈને પોલીસની પણ આંખો પહોળી થઈ ગઈ હતી.
ગાંધીનગર જિલ્લાના કલોલ વિસ્તારમાંથી છાશવારે વિદેશી દારૂની હેરફેરનું નેટવર્ક લોકલ ક્રાઇમ બ્રાંચ દ્વારા ઝડપી પાડવામાં આવતું રહે છે. તેમ છતાં દારૂની ગેરકાયદેસર પ્રવૃતિઓ પર અંકુશ મેળવવામાં સફળતા હાંસલ થતી નથી. ગઈકાલે પણ કલોલ શહેર પોલીસે ફાર્મ હાઉસમાં દરોડો પાડીને મોંઘીદાટ વિદેશી દારૂની બોટલો ઝડપી પાડવામાં આવી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર કલોલ શહેર પોલીસ મથકના પીઆઈ ઉન્નતિબેન પટેલની સૂચનાથી સ્ટાફના માણસો હદ વિસ્તારમાં પેટ્રોલિંગ માટે નીકળ્યા હતા. એ વખતે હેડ કૉન્સ્ટેબલ હામભાઈ ભૂપતભાઈને બાતમી મળી હતી કે, કે.આઈ.આર.સી રોડ પર આવેલા શિવાલય ટેનામેન્ટની સામે રૂપાજી હીરાજી પ્રજાપતિનાં હીંગળાજ ફાર્મ હાઉસમાં વિદેશી દારૂનો જથ્થો સંતાડી રાખવામાં આવ્યો છે.
જેથી સ્ટાફના માણસો સાથે ઉક્ત ફાર્મ હાઉસમાં દરોડો પાડવામાં આવ્યો હતો. જ્યાં ગેટની પાસે બનાવેલી ત્રણ ઓરડીઓ પૈકી એક ઓરડીમાં તપાસ કરતાં ડબલ બેડના પલંગનું ગાદલું હટાવી પાટીયા ઉઠાવીને જોતા મોંઘીદાટ વિદેશી દારૂની બોટલો સંતાડી રાખેલી મળી આવી હતી. જેથી પોલીસે ફાર્મના 70 વર્ષીય ચોકીદાર જશુજી નથાજી ચૌહાણની ધરપકડ કરી લીધી હતી. જ્યારે કલોલના પ્રતાપપૂરા કરણ શકાજી ઠાકોર મળી આવ્યો ન હતો.
બાદમાં પોલીસે મોંઘીદાટ 89 વિદેશી દારૂની બોટલો જપ્ત કરી લીધી હતી. પરંતુ અમુક બોટલો ઉપર કિંમત લખી નહીં હોવાથી પોલીસે તેની કિંમત જાણવા માટે ઓનલાઇન ભાવો મેળવ્યા હતા. જેમાં એક બોટલ તો 17 હજાર 690ની હોવાનું બહાર આવતા પોલીસની પણ આંખો પહોળી થઈ ગઈ હતી. આ અંગે કલોલ શહેર પોલીસે વૃદ્ધ ચોકીદાર જશુ ચૌહાણ અને કરણ ઠાકોર વિરુદ્ધ ગુનો નોંધી 2 લાખ 73 હજાર 928ની કિંમતની મોંઘીદાટ દારૂની બોટલો જપ્ત કરી કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે કલોલ ડીવાયએસપી પી.ડી. મનવરે જણાવ્યું હતું કે, પંચવટી વિસ્તારમાં રહેતા ફાર્મ હાઉસના માલિક રૂપાજી હીરાજી પ્રજાપતિ બિલ્ડર છે અને વિદેશ આવતાં જતાં રહે છે. પ્રાથમિક રીતે દારૂનો જથ્થો એમનો હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે પીઆઈ ઉન્નતિબેન પટેલે જણાવ્યું હતું કે, ફાર્મ હાઉસ પરથી ચોકીદાર મળી આવ્યો હતો. જ્યારે કરણ ઠાકોર નામનો ઈસમ આ દારૂનો જથ્થો ફાર્મમાં ગાડીમાં મૂકી જતો હોવાનું પણ બહાર આવ્યું છે. જ્યારે ફાર્મના માલિક રૂપાજી પ્રજાપતિ સામે પણ ગુનો દાખલ કરીશું. કેમકે દારૂનો જથ્થો એમના કબ્જા ભોગવટા વાળી જગ્યાથી મળી આવ્યો છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.