તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Local
  • Gujarat
  • Gandhinagar
  • A Forest Called Oxygen Pond, Built On A Space Of 12 Thousand Square Meters In Gandhinagar, Combines The Natural Environment With The Chirping Of Birds.

ઓક્સિજન પોન્ડ નામનું જંગલ:ગાંધીનગરના 12 હજાર ચોરસ મીટરની જગ્યામાં જંગલ વિકસાવાયુ, પક્ષીઓના કલરવ સાથે કુદરતી વાતાવરણનો સમન્વય

ગાંધીનગર20 દિવસ પહેલા
  • ગાંધીનગર ડિઝાસ્ટર મૅનેજમેન્ટે 12 હજાર ચોરસ મીટર જગ્યામાં 3 હજાર વૃક્ષો વાવ્યા

ગાંધીનગર વિકાસની આંધળી દોટમાં કોંક્રીટનું જંગલ બનતું જાય છે. જેનાં કારણે ગાંધીનગર ગ્રીન સિટી તરીકેનું બિરુદ ગુમાવી ચુક્યું છે. કોરોના કાળમાં નગરજનોને કુદરતી ઓક્સિજનની કિંમત સમજાઈ ચૂકી છે ત્યારે શહેરમાં વિકસી રહેલા સિમેન્ટ કોંક્રીટનાં જંગલો વચ્ચે ગાંધીનગર ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા 12 હજાર ચોરસ મીટરની જગ્યામાં અલગ અલગ પ્રજાતિના 3 હજાર વૃક્ષોનું વાવેતર કરી "ઓક્સિજન પોન્ડ" નામનું જંગલ વિકસાવવામાં આવ્યું છે.

નગરજનોને કુદરતી ઓક્સિજનની કિંમત સમજાઈ
છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીએ સમગ્ર વિશ્વ સહિત રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કાળો કેર વર્તાવી દીધો છે. એમાંય વળી વિકાસની આંધળી મેરેથોન દોડ દોડતું ગાંધીનગરમાં હજારો લીલાછમ વૃક્ષોનો સોથ વાળી દેવામાં પણ પાછળ રહ્યું નથી. જેના કારણે ગાંધીનગર પોતાનું ગ્રીન સિટી તરીકેની આગવી ઓળખ ગુમાવી ચૂક્યો છે. કોરોના કાળમાં ઓક્સિજનની અછત સર્જાતા ટપોટપ દર્દીઓ મોતને ભેટવા લાગતા જ નગરજનોને કુદરતી ઓક્સિજનની કિંમત સમજાઈ ગઈ છે.

નાના છોડ વટ વૃક્ષો બની ગયા
ગાંધીનગરનાં પી ડી પી યુ રોડ પર આવેલા ગુજરાત ઇન્સ્ટિટયૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં ડાયરેક્ટર જનરલ પી. કે. તનેજાના એક વિચાર માત્રથી કેમ્પસમાં બે વર્ષ અગાઉ 12 હજાર ચોરસ મીટરનો વિશાળ જગ્યામાં અલગ અલગ 11 જેટલી પ્રજાતિના વૃક્ષો વાવવાની શરૂઆત કરવામાં આવી હતી. જેનાં ફળસ્વરૂપ આજે નાના છોડ વટ વૃક્ષો બની ગયા છે. અને 3 હજાર વૃક્ષોનું વિશાળ જંગલ આકાર પામી ચૂક્યું છે.

આ અંગે દિવ્ય ભાસ્કરની સાથે વાતચીત કરતાં આસીસ્ટન્ટ મેનેજર જયસિંહ જણાવ્યું હતું કે, વર્ષ 2017 થી GIDM (ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાસ્ટર મેનેજમેંટ) ના ડાયરેક્ટર જનરલ તરીકે પી .કે.તનેજા ની નિમણૂક થઈ હતી. તે વખતે કેમ્પસમાં 12 હજાર ચોરસ મીટર જગ્યામાં કોંક્રીટ પથરાયેલો હતો. કેમ્પસની ચારે તરફ કોંક્રીટની દિવાલો જોઈ તેઓને મનમાં વિચાર આવ્યો કે કેમ્પસમાં કોન્ક્રીટની દિવાલો દેખાવી નાં જોઈએ. થોડા સમય પછી તેમણે નોલેજ કોરિડોર મેનેજમેન્ટ કમિટી (KCMC) એટલે કે આ વિસ્તારમાં આવેલી તમામ યૂનિવર્સિટીની એક કમિટીની રચના કરી હતી.

પ્લાન્ટેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું

જે અન્વયે એક મીટિંગ યોજી વૃક્ષોનાં પ્લાન્ટેશનનો વિચાર રજૂ કરી તેનું પ્રેઝન્ટેશન રજૂ કરાયું હતું. આ મિટિંગમાં ગુજરાત નૅશનલ લો યૂનિવર્સિટી, પી ડી પી યુ, આઈએસઆર, જીઆઈડીએમ સહિતની યૂનિવર્સિટીનાં ઉચ્ચ અધિકારીઓએ પોતાની આસપાસના વિસ્તારમાં પ્લાન્ટેશન કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે ડિઝાસ્ટર કેમ્પસની પડતર જમીન ની પેહલા ખેડીને કોંક્રીટ દૂર કરી જગ્યા ને વાવણી લાયક બનાવી દેવામાં આવી હતી.

ડાયરેક્ટર જનરલ પી. કે. તનેજાએ પોતાનો શુભ વિચાર કેમ્પસનાં કર્મચારીઓ સમક્ષ મૂક્યો હતો. બસ પછી તો ડો. સંજય જોશીના માર્ગદર્શન હેઠળ કર્મચારી જયસિંહ સહિતના સ્ટાફગણ દ્વારા લાંબી આવરદા ધરાવતા લીમડા, વડ , ગરમાળો , સરગવો પીપળો , આસોપાલવ , આમળા તથા ઔષધીય રોપાનું એક પછી એક પ્લાન્ટેશન શરૂ કરાયું હતું. અને સમય જતાં વિવિધ પ્રજાતિના 3 હજાર જેટલા રોપા વાવી દેવામાં આવ્યા હતા.

વિવિધ પક્ષીઓની કલરવ સતત સંભળાય છે
ડાયરેક્ટર જનરલનાં એકમાત્ર વિચારને લાંબા સમય સુધી અમલી બનાવવા માટે અહીં ડ્રીપ ઇરિગેશન પધ્ધતિથી વૃક્ષોનો ઉછેર કરવાની શરૂઆત કરવામાં આવી હતી. જેની નિયમિત સાર સંભાળ તેમજ ઓર્ગેનિક ખાતરથી સિંચન કરવામાં આવતું હતું. જેનાં ફળ સ્વરૂપ નાના છોડ આજે વટવૃક્ષ બનીને વિશાળ જંગલ વિકસી ચૂક્યું છે. ત્યારે વિશાળ જંગલમાં વિવિધ પક્ષીઓની કલરવ સતત સંભળાતી રહેતી હોય છે.

સંપૂર્ણ કુદરતી વાતાવરણનો અહેસાસ
ગાંધીનગરનાં શહેરીજનો માટે આશ્ચર્ય પમાડે તેવું આ ગીચ જંગલ કદાચ સૌ પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં એક સાથે વૃક્ષો ઊછેરીને વિકસાવવામાં આવ્યું છે. આ ઓક્સિજન પોન્ડ હાલમાં તો ડિઝાસ્ટર મેનેજમેન્ટનાં કર્મચારીઓને પક્ષીઓના કલરવ સાથે સંપૂર્ણ કુદરતી વાતાવરણનો અહેસાસ કરાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે પ્રકૃતિપ્રેમી ડીઝાસ્ટરના ડાયરેક્ટર જનરલ પીકે.તનેજા અગાઉ આલ્કલાઇન વિભાગનાં વડા હતા તે વખતે તેમણે 1 લાખ વૃક્ષો નું વાવેતર પણ કરાવી ચૂક્યા છે

અન્ય સમાચારો પણ છે...