સારવાર:સિવિલમાં દોઢ વર્ષની બાળકીના ગળામાં ફસાયેલો માછલીનો કાંટો કઢાયો

ગાંધીનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્સ-રેમાં નહી દેખાતા કાંટાને મેડિકલ ઓફિસરની કુનેહથી બહાર કાઢ્યો

દોઢ વર્ષની બાળકીને ફિશનું ભોજન કરાવ્યા બાદ તેના ગળામાં ફિશનો કાંટો ભરાઇ જતા ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા. એક્સ-રેમાં પણ માછલીનો કાંટો દેખાતો ન હતો. આથી ફરજ ઉપરના મેડિકલ ઓફિસરે પોતાની કુનેહથી બાળકીના ગળામાંથી માછલીના કાંટાને માત્ર ત્રીસેક મિનિટમાં કાઢી નાંખ્યો હતો.રાજ્યના પાટનગરમાં રહેતા એક પરિવારને પોતાના દોઢ વર્ષની બાળકીને માછલીનું ભોજન કરાવવું ભારે પડ્યું હતું.

સિવિલ હોસ્પિટલના માહિતગાર સૂત્રોના જણાવ્યા મુજબ ગત તારીખ 24મી, જુલાઇ-2022ને રવિવારના રોજ બપોરેના સવા બે કલાકના સુમારે એક પરિવાર પોતાના દોઢેક વર્ષની બાળકીને લઇને ગાંધીનગર સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગમાં આવ્યું હતું. પોતાનું બાળકી ખાંસી ખાવાની સાથે સાથે ગળામાં ખુંચતું હોવાનું પોતાના મા-પિતાને જણાવ્યું હતું. આથી ફરજ ઉપરના મેડિકલ ઓફિસર ડો.પ્રવિણસિંહ સોલંકીએ બાળકીને શું ખવડાવ્યું સહિતની પ્રાથમિક માહિતી લીધી હતી. આથી પરિવારે ઘરે બનાવેલા ફીશનું ભોજન દોઢ વર્ષની બાળકીને કરાવ્યું હોવાનું જણાવ્યું હતું.

આથી બાળકીના ગળાના ભાગનો એક્સ-રે કરાવ્યો હતો. તેમ છતાં તેમાં પણ કંઇ દેખાતું ન હતું.આથી ફરજ ઉપરના મેડિકલ ઓફિસરે પોતાની કુનેહથી ગળામાં ફસાયેલા માછલીના કાંટાને માઇનોર પ્રક્રિયાથી બહાર કાઢ્યો હતો. જોકે દોઢેક વર્ષની બાળકીના ગળામાંથી માછલીનો કાંટો બહાર કાઢવાની કામગીરીમાં સિવિલ હોસ્પિટલના ઇમરજન્સી વિભાગના નર્સિંગ સ્ટાફ સહિતના કર્મચારીઓએ સહયોગ આપ્યો હતો. સિવિલ હોસ્પિટલના અધિક્ષક ડો.નિયતી લાખાણી અને આર.એમ.ઓ. ડો. એમ.કે.પરમારે જરૂરી માર્ગદર્શન આપ્યું હોવાનું મેડિકલ ઓફિસર ડો.પ્રવિણસિંહ સોલંકીએ જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...