ગાંધીનગરના જૂના ખોરજ ગામ ખાતે બંધ મકાનમાં આગની ઘટના બની હતી. અડધી રાત્રે બનેલી ઘટનાને પગલે આસપાસના ઘરોમાં પણ લોકોના જીવ અધ્ધર થઈ ગયા હતા. જોકે ફાયર વિભાગે તાત્કાલિક પહોંચીને આગને વધતા અટકાવીને ભારે જહેમત પછી આગ પર કાબૂ મેળવ્યો હતો.
ઘટનાની વિગતો પ્રમાણે જુના ખોરજ ગામના બ્રાહ્મણવાસમાં આવેલા મકાનમાં મધરાત્રે આગ લાગી હતી. અહીં રહેતાં કમલેશભાઈ જેઠાભાઈ ત્રિવેદીના બંધ મકાનમાં રાત્રે દોઢ વાગ્યાના સુમારે આગ લાગી હતી. આગે થોડીવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા, આસપાસના ઘરોમાં ગાઢ નિંદ્રામાંથી જાગેલા ગ્રામજનો બહાર દોડી આવ્યા હતા. ઘટનાને અંગે ફોન કરતાં ગાંધીનગર ફાયરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ગામમાં નજીક-નજીક બધા ઘરો હોવાને પગલે આગ આગ પ્રસરે નહીં તે માટે ફાયરની ટીમે પાણીનો મારો ચલાવ્યો હતો.
ફાયરની ટીમે અડધા કલાકમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે બંધ મકાનમાં અંદર ધૂમાડાને પગલે ફાયરની ટીમ દ્વારા બે કલાક સુધી કામગીરી કરાઈ હતી. આગ લાગવાનું પ્રાથમિક કારણ શોર્ટસર્કીટ હોવાનું લાગી રહ્યું છે. જોકે ઘરે કોઈ ન હોવાથી અને આગ આગળ ન પ્રસરતા કોઈ જાનહાની કે દાઝી જવાની ઘટના બની નથી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.