ગાંધીનગરનાં ચ - 0 સર્કલ પાસે ગઈકાલે રાત્રિના સમયે ડાંગરનું ઘાસ ભરેલી આઈસર ટ્રકમાં અચાનક આગ લાગતાં નાસભાગ મચી જવા પામી હતી. જો કે ગાંધીનગર ફાયર બ્રિગેડની ટીમે તાત્કાલિક સ્થળ પર પહોંચી પાણીનો સતત છંટકાવ કરીને મોટી જાનહાનિ થતાં અટકાવી દીધી હતી. ત્યારે ટ્રક આગની લપેટમાં આવી જતાં ઘાસની 250 ગાંસડી બળીને ખાખ થઈ ગઈ હતી.
ગાંધીનગરના ચ - 0 રોડ ઉપર ગઈકાલે રાત્રે ધણીયોલ તરફ જતી ઘાસની ગાંસડીઓ ભરેલી આઈસર ટ્રકમાં અચાનક આગ ભભૂકી ઉઠતાં રાહદારી વાહન ચાલકોનાં જીવ તાળવે ચોંટી ગયા હતા. બાવળાથી નીકળેલી ટ્રક ગઈકાલે ગાંધીનગર થઈને ધણીયોલ ગામ તરફ જઈ રહી હતી. ત્યારે રોડ પરથી પસાર થતી ટ્રકમાં અચાનક લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. જેનાં કારણે ટ્રાફિક જામનાં દ્રશ્યો પણ સર્જાયા હતા.
આઈસર ટ્રકનો ડ્રાઈવર અને કલીનર ડાંગર નાં ઘાસની 250 ગાંસડીઓ લઈને બાવળા થી નીકળી વાયા ગાંધીનગર થઈને ધણીયોલ ગામ જઈ રહ્યા હતા. એ દરમ્યાન કોઈ કારણસર અચાનક ટ્રકમાં સ્પાર્ક થવાની સાથે જ આગ ભભૂકી ઉઠી હતી. જેનાં કારણે સૂકું ઘાસ ભડભડ સળગવા માંડતા ડ્રાઈવર અને કલીનર ટ્રક સાઈડમાં કરીને નીચે ઉતરી ગયા હતા.
બાદમાં ઘટનાની જાણ ગાંધીનગર ફાયર બ્રિગેડને કરવામાં આવતાં સબ ફાયર ઓફિસર કે જે ગઢવી સ્ટાફના માણસો સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા. અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસો શરૂ કરી દેવાયા હતા. આઈસર ટ્રકમાં લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લેતાં જોત જોતામાં ઘાસની ગાંસડીઓ ભડભડ સળગી ઉઠતા દૂર દૂર સુધી ધુમાડાના ગોટેગોટા નજરે ચડી રહ્યા હતા. ત્યારે ફાયર બ્રિગેડની ટીમે સતત પાણીનો મારો ચલાવીને આગ ઉપર કાબુ મેળવી લઈ મોટી જાનહાનિ સર્જાતા અટકાવી દેવામાં આવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.