રજુઆત:ઇશ્વરપુરા (બદપુરા) ગામના ખેડૂતને બિયારણ અને ખાતરનો ખર્ચ માથે પડ્યો

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગ્રામસેવકે જણાવેલા બિયારણનું વાવેતર કરવા છતાં મગફળીનો પાક થયો નહી

જિલ્લાના ઇશ્વરપુરા (બદપુરા)ના ખેડુતે ગ્રામસેવકે જણાવ્યા મુજબની જીએટીએલમાંથી મગફળીનું બિયારણ લીધું હતું. બિયારણની વાવેતર કરીને મગફળીને ઉછેરી હતી. જ્યારે ખેડુતે મગફળી કાઢતા તો બે એકર જમીનમાંથી એકપણ છોડમાં મગફળી બેસી જ નહી. આથી ખેડુતોને અંદાજે રૂપિયા એક લાખનો ખર્ચ માથે પડતા જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખિત રજુઆત કરી છે. રાજ્ય સરકાર દ્વારા ખેડુતોની આર્થિક સ્થિતિ સુધારણા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. જેમાં ખેડુતો સારૂ બિયારણ મળી રહે તેમજ ખેતીના પાક વિશે યોગ્ય જાણકારી મળી રહે તે માટે દરેક ગામમાં ગ્રામસેવકની ભરતી કરવામાં આવી છે.

ગ્રામસેવક દ્વારા ખેડુતોને રવિ કે ખરીફ પાકના બિયારણ અંગેની જાણકારી આપવામાં આવે છે. ત્યારે રાજ્યના પાટનગર ગાંધીનગર જિલ્લાના એક ખેડુતે ગ્રામ સેવકની સુચનાથી લીધેલા બિયારણવાળા છોડમાં મગફળી બેસી નહી હોવાનો બનાવ બન્યો છે. જિલ્લાના માણસા તાલુકાના ઇશ્વરપુરા (બદપુરા) ગામમાં રહેતા પ્રકાશભાઇ જીવણભાઇ ચૌધરીએ જણાવ્યું છે કે ચાલુ વર્ષે મગફળીના વાવેતર માટે કઇ કંપનીનું બિયારણ લેવું તે અંગે ગ્રામસેવકની પાસેથી જાણકારી મેળવી હતી. આથી ગ્રામસેવકના જણાવ્યા મુજબ ખેડુતો જીએટીએલ કંપનીનું મગફળીનું બિયારણ ગત તારીખ 6ઠ્ઠી, જુલાઇ-2022 માસમાં લીધું હતું.

ખેડુતે અંદાજે રૂપિયા 20000ની કિંમતના અંદાજે 200 કિલો બિયારણ લીધું હતું. મગફળીના આ બિયારણની ખેડુતે આઠ વીઘામાં વાવણી કરી હતી. જોકે ખેડુતે મહેનત કરીને મગફળીના પાકમાં નિદામણ અને કોઇ જીવાતનો ઉપદ્રવ થાય નહી તે માટે અંદાજે રૂપિયા 20000ની દવાનો છંટકાવ કર્યો હતો. ઉપરાંત મગફળીનો પાક તૈયાર થતાં મગફળીને કાઢવા માટે ટ્રેક્ટરથી ખેડાણ કર્યું હતું. ખેડાણનો ખેડુતે અંદાજે રૂપિયા 30000 જેટલો ખર્ચ કર્યો છે. આથી ખેડુતે મગફળી પાછળ અંદાજે એકાદ લાખ જેટલો ખર્ચ કરવા છતાં મગફળી નહી મળતા આર્થિક માર પડ્યો છે. જોકે ખેડુતે મગફળીનું બિયારણ આઠ વીઘામાં વાવેતર કર્યું હતું. તેમાંથી બે એકર જમીનમાંથી મગફળી કાઢવામાં આવતા એકપણ છોડમાં મગફળી નહી બેસતા આર્થિક માર પડતા જિલ્લા ખેતીવાડી અધિકારીને લેખિત રજુઆત કરી છે.

અન્ય સમાચારો પણ છે...