હાલાકી:સેક્ટર-29ના વંદેમાતરમ 168 ફ્લેટના પરિવાર નર્મદાના પીવાના પાણીથી વંચિત

ગાંધીનગર24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • બનાવેલા બોરમાંથી ખારું પાણી આવતા પરેશાની

પીવા માટે નર્મદાનું પાણી સમગ્ર રાજ્યમાં આપવામાં આવી રહ્યું છે. પરંતુ નગરના સેક્ટર-29ના વંદેમાતરમ સરકારી ફ્લેટના રહિશોને બોરનું ખારૂ પાણી પીવાની ફરજ પડી છે. જોકે સ્થાનિકોએ વિરોધ કરતા પીવાના પાણી માટે માત્ર એક જ કનેક્શન આપવામાં આવ્યું છે. વંદેમાતરમાં 168 ફ્લેટ આવેલા હોવાથી સ્થાનિક રહિશોને હાલાકી વેઠી રહ્યા છે.

નર્મદાને રાજ્યની જીવાદોરી ગણવામાં આવે છે. જેને પરિણામે રાજ્યભરના ગ્રામ્ય અને શહેરી વિસ્તારની સોસાયટીઓમાં નર્મદાનું પાણી આપવામાં આવી રહ્યું છે. જોકે સમગ્ર રાજ્યભરમાં નર્મદાનું પાણી પુરૂ પાડવાની કામગીરીની સાથે સાથે તેનું સંચાલન જ્યાંથી કરવામાં આવી રહ્યું છે.

તેવા રાજ્યના પાટનગર ગાંધીનગરના સેક્ટર-29માં બનાવેલા 168 સરકારી ક્વાર્ટર વંદેમાતર ફ્લેટના રહિશોને નર્મદાનું પાણી મળતું નથી. જોકે ફ્લેટ બનાવતી વખતે જ વંદેમાતરમ ફ્લેટના રહિશોને પાણી પુરવઠો મળી રહે તે માટે બોરકુવો બનાવવામાં આવ્યો હતો. બોરકુવાનું પાણી હાલમાં રહિશોને આપવામાં આવી રહ્યું છે. પરંંતુ બોરકુવાનું પાણી ખારૂ હોવાથી સ્થાનિક રહિશોને પીવાના પાણી માટે બહારથી જગ મંગાવવાની ફરજ પડી છે. ઉપરાંત બોર કુવાના ખારા પાણીના કારણે ઘરમાં ફીટ કરેલી નળ ઉપર ક્ષાર જામી જતો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું છે.

જોકે સ્થાનિક લોકોના વિરોધને પગલે તાત્કાલીક અસરથી નર્મદાના પાણીનું એક જ કનેક્શન આપવામાં આવ્યું છે. જે ફ્લેટની નીચે ચકલી મુકવામાં આવી હોવાથી ફ્લેટના રહિશોને હાલાકી પડી રહી છે. એક જ નળ હોવાથી વંદેમાતરમના 168 ફ્લેટના પરિવારોને પીવાનું પાણી ભરવા માટે લાઇનમાં ઉભા રહેવાની ફરજ પડી છે.

આથી વંદેમાતરમ ફ્લેટના રહિશોને નર્મદાનું પીવાનું પાણી મળી રહે તેવું નક્કર આયોજન કરવાની સ્થાનિક રહિશોમાં માંગ ઉઠવા પામી છે. ફ્લેટમાં બનાવાયેલા બોરમાંથી ખારૂ પાણી આવતા અત્યારે રહીશો ખારૂ પાણી પીવા માટે મજબૂર બન્યા છે. જેથી ફ્લેટના રહીશોને શુદ્ધ પાણી અપાય તેવી માગ ઉઠી છે.

અન્ય સમાચારો પણ છે...